Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

મહેમદાવાદ તાલુકાના રોહીસ્સા ગામે સહિયારી જમીનમાં વારસાઈ કરવાના મુદ્દે મામા-ફોઈના ભાઈઓ બાખડ્યા:બે વ્યક્તિના માર મારી ઇજા પહોંચાડનાર ત્રણને 5-5 વર્ષની સજાની સુનવણી કરવામાં આવી

મહેમદાવાદ: તાલુકાના રોહિસ્સા ગામમાં બે વર્ષ પહેલાં સહિયારી જમીનમાં વારસાઈ કરવાના મુદ્દે મામા-ફોઈના છોકરાઓ વચ્ચે થયેલા ધીંગાણામાં ચાર વ્યક્તિઓએ ભેગા મળી બે વ્યક્તિઓને માર મારી જીવલેણ ઈજા કરી હતી. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસમાં મહિલા સહિત ચાર સામે ખુનની કોશિશનો ગુનો નોંધાયો હતો. આ કેસ નડિયાદ કોર્ટમાં ચાલી જતાં ચાર પૈકી ત્રણ આરોપીઓને નડિયાદ કોર્ટે પાંચ-પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જ્યારે મહિલા આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી છે.

મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામમાં રહેતાં વિજયભાઈ ઈશ્વરભાઈ દેવીપૂજકની દાદીના હિસ્સામાં આવતી જમીનમાં દાદીના પિયરીયા પક્ષના લોકો વારસાઈ કરાવવા દેતા ન હતાં. વારસાઈ કરાવવાના મુદ્દે આ બંને પરિવારો વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી ચકમક ચાલતી હતી. ગત તા.૧૯-૧૨-૧૭ ના રોજ આ મુદ્દે ચકમક ઉગ્ર બનતાં મારામારી થઈ હતી. જેમાં મુકેશભાઈ ઉર્ફે બોડો બાબુભાઈ દેવીપૂજક, બાબુભાઈ કાભઈભાઈ દેવીપૂજક, લાલાભાઈ બાબુભાઈ દેવીપૂજક અને મંજુલાબેન મુકેશભાઈ દેવીપૂજકે ભેગા મળીને વિજયભાઈ ઈશ્વરભાઈ દેવીપૂજક અને તેમના ભાઈ રણજીતભાઈની પત્નિ મંજુલાબેન દેવીપૂજક પર ધારીયા તેમજ લાકડીઓથી હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી.

(5:27 pm IST)