Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પેટાચૂંટણીનાં પરિણામ બાદ કોંગ્રેસ પક્ષ વિરોધીઓ સામે પગલાં લેશે

છ બેઠકની પેટાચૂંટણી પૈકી બાયડ-લુણાવાડામાં કોંગ્રેસને આશા

અમદાવાદ તા. ૧૬ :.. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રદેશ પ્રભારી સહિત પ્રદેશ કોંગ્રેસના ટોચના હોદેદારોને પર્ફોમેન્સ સુધારો અથવા પદ છોડો તેવું અલ્ટિમેટમ આપતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા ઉઠી છે. તેમણે પક્ષ વિરોધીઓ સામે કડક કાર્યવાહી કરવાની છૂટ પણ આપી છે. દરમિયાન કોંગ્રેસ નેતૃત્વ પેટાચૂંટણીનાં પરિણામ સુધી ઠાવકાઇથી કામ લેશે અને પછી પક્ષ વિરોધીઓ સામે શિસ્તના કોરડા વીંઝશે.

આગામી ર૧ ઓકટોબરે અમદાવાદની અમરાઇવાડી બેઠક, રાધનપુર, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને બાયડ એમ કુલ છ બેઠકની પેટાચૂંટણી યોજાશે. આ ચૂંટણીના પ્રચારના પડઘમ તા. ૧૯ ઓકટોબરની સાંજે પ વાગ્યે શાંત થશે, જો કે ભાજપ અને કોંગ્રેસ એમ બંને મુખ્ય રાજકીય પક્ષોમાં ચૂંટણી પ્રચારમાં ભારે નીરસતા જોવા મળે છે. અમરાઇવાડી વિધાનસભા બેઠક વિસ્તારમાં પણ સ્થાનીક મતદારો પણ ચૂંટણીમાં નિરસ જોવા મળી રહ્યા છે.

દરમિયાન કોંગ્રેસનાં ટોચનાં સુત્રો કહે છે કે પેટાચૂંટણીના સંદર્ભમાં પણ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા સામે ફરીયાદો મળી છે, જો કે સામી ચૂંટણીએ આવા પક્ષ વિરોધીઓ સામે કોઇ શિક્ષાત્મક પગલા નહીં લેવાય, પરંતુ ખાનગી રાહે તેમની યાદી તૈયાર થઇ રહી હોઇ તા. ર૪ ઓકટોબરે જાહેર થનારા પરિણામ બાદ તેમની સામે શિસ્તનો કોરડો વીંઝાશે. આમ તો છ બેઠક પૈકી કોંગ્રેસ માટે અમરાઇવાડી બેઠક તો ગુમાવવા ખાતે છે. સ્થાનીક મતદારોનો ભાજપ વિરૂધ્ધ રોષ હોવા છતાં પણ અમરાઇવાડી બેઠક કોંગ્રેસના પંજામાં આવે તેવી શકયતા નહિવત છે. અન્ય ખેરાલુ, થરાદ જેવી બેઠકમાં પણ નિરાશાજનક ચિત્ર છે, પરંતુ બાયડ અને લુણાવાડામાાં કોંગ્રેસને કંઇક અંશે આશા છે, જયારે રાધનપુરમાં ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી.

(3:21 pm IST)