Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ધો.૧૦ની પરીક્ષા પધ્ધતિમાં ફેરફારઃ ૮૦ ગુણનું પ્રશ્નપત્ર

OMR પધ્ધતિ રદ કરી નવી પરીક્ષા પધ્ધતિ જાહેર કરવામાં આવી ૨૦ ગુણ શાળા કક્ષાએથી અપાશે

રાજકોટ,તા.૧૬: ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા લેવાતી ધો-૧૦ની પરીક્ષા પધ્ધતિમાં આમુલ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રશ્નપત્ર૧૦૦ ગુણને બદલે ૮૦ ગુણ અને ૨૦ ગુણ શાળા કક્ષાએ થી આપશેે

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા પરીક્ષા પદ્ઘતિમાં બદલાવ કરાયો છે. જેમાં ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ માટે ૨૦૨૦ના બોર્ડની પરીક્ષા માટે ૮૦/૨૦ના પદ્ઘતિનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. જેથી આગામી ધોરણ-૧૦ના બોર્ડની પરીક્ષા ૮૦ ગુણની રહેશે, જયારે આંતરિક મુલ્યાંકનના ૨૦ ગુણ શાળા કક્ષાએથી આપવાના રહેશે.

પરીક્ષા સચિવે એક પરિપત્ર જાહેર કરી તમામ શાળાના આચાર્યોને જાણ કરવા સૂચના આપી છે. મહત્વનુંછે કે ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા OMR પદ્ઘતિ રદ કરી નવી પરીક્ષા પદ્ઘતિની જાહેરાત કરાઈ હતી. જે અંગે હાલ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને શાળાઓને આચાર્યોને અને પરીક્ષાર્થીઓને નવી પદ્ઘતિ પ્રમાણે પરીક્ષા લેવાશે તે અંગે અવગત કરાવવા આદેશ કરાયો છે.

રાજયમાં દર વર્ષે ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ના પરીક્ષા આપતા હોય છે. ત્યારે ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા ખાતે ધોરણ-૧૦ના બદલાયેલા અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ઘતિ બાબતે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં જણાવાયું છે કે રાજયની તમામ માધ્યમિક શાળાઓમાં માર્ચ ૨૦૨૦થી ધોરણ-૧૦માં અમલીકરણ થયેલા નવા અભ્યાસક્રમ અને નવી પરીક્ષા પદ્ઘતિ સંદર્ભે કરાયેલ પરિપત્ર મુજબ આગામી પરીક્ષા લેવામાં આવશે.

શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી SSCના પરીક્ષા પદ્ઘતિ બદલાયેલ છે, તેમજ કેટલાક એનસીઈઆરટીના પાઠ્ય પુસ્તકો અમલમાં આવ્યા છે. આ મામલે તમામ શાળાના આચાર્યોએ રેગ્યુલર અને ફરી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કયા પ્રકારનું પ્રશ્નપત્ર રહેશે તેની સ્પષ્ટતા કરવા પણ કહેવાયું છે.

પરિપત્ર પ્રમાણે ચાલુ વર્ષે ધોરણ ૧૦માં અભ્યાસ કરતા નિયમિત વિદ્યાર્થીઓની ૮૦/૨૦ની પદ્ઘતિથી વર્ષ ૨૦૨૦માં  પરીક્ષા લેવામાં આવશે. જેમાં બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષાનું પ્રશ્નપત્ર ૮૦ ગુણનું રહેશે, જયારે આંતરિક મુલ્યાંકનના ૨૦ ગુણ શાળા કક્ષાએથી આપવાના રહેશે.

(3:20 pm IST)