Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સરકાર ઝુકીઃ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ધો.૧ર પાસ માન્ય

ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય કલાર્ક-કચેરી મદદનીશની પરીક્ષા માટે સ્નાતક ફરજીયાતનો અમલ મોકુફ : ૧૦II લાખ ઉમેદવારોની ૧૭ નવેમ્બરે પરીક્ષાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૬ : રાજય સરકારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કલાર્કઅ ને ઓફીસ આસિસ્ટન્ટની જગ્યા માટે (વર્ગ-૩) સ્પર્ધાત્મક પરીક્ષા રદ કરવાના અને શૈક્ષણિક લાયકાતનું ધોરણ ઉંચુ લઇ જવાના નિર્ણયમાં પીછેહઠ કરી છે. આજે સવારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં મળેલ ઉચ્ચ કક્ષાની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જાહેરાત કરી છે તે મુજબ પરીક્ષાના ફોર્મ ભરતી વખતે સરકારે જાહેર કરેલા ધારાધોરણ મુજબ ધો. ૧ર પાસ યુવક, યુવતીઓ આ પરીક્ષા આપી શકશે. પરીક્ષા તા. ૧૭ નવેમ્બરે રવિવારે લેવાશે જેના માટે ૧૦ાા લાખ ઉમેદવારો નોંધાયા છે.

ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા માટે ઉમેદવારોને બેઠક કેન્દ્રો અને નંબરો ફાળવી દીધા બાદ અચાનક પરીક્ષા રદ કરવાની જાહેરાત કરેલ. શૈક્ષણિક લાયકાત ધો. ૧ર પાસના બદલે લઘુમત સ્નાતકની કરી નાખેલ તેના કારણે હોબાળો મચી ગયેલ.

લાખો ઉમેદવારોની પરીક્ષાની તક છીનવાઇ જાય તેવા સંજોગો નિર્માણ પામેલ. કોંગ્રેસે જિલ્લાવાર દેખાવો કરેલ. સરકાર મોટી રાજકીય અને કાનૂની પડકાર ઉભો થાય તેવા સ્પષ્ટ એંધાણ હતા. આખરે સરકારે નિર્ણય બદલ્યો છે. બિનસચિવાલય કલાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટની જગ્યા માટે તા. ૧૭ નવેમ્બરે જુની વ્યવસ્થા મુજબ (ધો. ૧ર પાસ માન્ય) પરીક્ષા લેવાશે તેમ શ્રી નીતિન પટેલે જાહેર કર્યું છે.

સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ યુવાનોની લાગણી ધ્યાને રાખીને ફેર વિચારણા બાદ જુના ધારા ધોરણ મુજબ જ પરીક્ષા લેવાનો નિર્ણય કરતા લાખો પરીક્ષાર્થીઓમાં રાહતની લાગણી જન્મી છે.

(3:18 pm IST)