Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ભરૂચના ભેજાબાજ તસ્કરે બબ્બે લકઝરી બસો ચોરી, મહિનાઓ સુધી ફેરા પણ કરેલ

સાયકલ - બાઇક અને કાર ચોરી થવાના સમાચારો તમે વાંચ્યા હશે, પણ આવું ભાગ્યે જ વાંચ્યું કે સાંભળ્યું હશે : ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા ટીમની પૂછપરછમાં નવતર કિસ્સો બહાર આવ્યો

રાજકોટ, તા., ૧૬: સાયકલ-ટુ વ્હીલર અને કાર ચોરી થઇ જવાની ઘટના તો અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે પરંતુ ભરૂચના  એક ભેજાબાજ તસ્કરે આખીને આખી લકઝરી બસની ચોરી કરી તે બસ દ્વારા ભાડા પણ  કરતો હતો, વાત આટલેથી જ નથી અટકતી ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા થયેલી વિસ્તૃત પુછપરછમાં આરોપીએ આ અગાઉ પણ એક લકઝરી બસની ઉઠાંતરી  કરી આ બસ  ૯ માસ સુધી પોતાના કબ્જામાં રાખી બાલાસિનોર પંથકમાં વેચી નાખ્યાની કબુલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

રાવ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક દ્વારા સરયુ કોલોની સામે દહેજ બાયપાસ રોડ પર પાર્ક કરેલી લકઝરી બસ ચોરી ગયાની ફરીયાદ થતા જ પોલીસ આ નવતર પ્રકારની ઘટના અને આવી હિંમત દાખવનારને કોઇ પણ ભોગે પકડી લેવા પોલીસ વડા સહિત સમગ્ર સ્ટાફ કાર્યરત બનેલ. ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસનો ધમધમાટ બોલાવી  ભરૂચના જ ફારૂક નામના શખ્સની ધરપકડ કરી બસનો કબ્જો મેળવ્યો હતો. તેણે આ અગાઉ પણ અન્ય બસ ઉપાડયાની કબુલાત આપી હતી. બસોની નંબર પ્લેટ ફેરવી બસો ચલાવવા સાથે બીજાને પધરાવી પણ દીધી હતી. આમ આ નવતર ઘટનાએ લોકોમાં ભારે આશ્ચર્ય જન્માવ્યું હતું. તસ્કરોની  દુનિયા પણ અજબ-ગજબની હોય છે. આવા તસ્કરો શુકન-અપશુકનમાં પણ માનતા હોય છે.

ભુતકાળમાં તસ્કરો ચોરી કરવા નિકળે  અને પોલીસ સામા મળે તો તેને અપશુકન ગણી ચોરી કરવાનું ટાળી દેતા. ધારાગઢના   તસ્કરોની એક સમયે અલગ જ દુનિયા હતી. તસ્કરી દરમિયાન કોઇનું મોત થાય તો તેના ઘર પર ચોક્કસ પ્રકારની વસ્તુ મુકી દેવાતી જેથી મોતની જાણ થઇ જાય. તાજેતરમાં સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા ટીમ દ્વારા  એક ગેંગને પકડવામાં આવી હતી.

ખાસ વિમાનમાં જઇ ક્રાઇમ બ્રાન્ચ આ તસ્કર ટોળકીને સુરત લાવી અને પુછપરછ કરી ત્યારે આવા તસ્કરો ચોરીની સફળતા માટે પણ માનતા રાખતા હોવાનું અને ભુવા પાસે જતા હોવાનું ખુલેલ.

(12:01 pm IST)