Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

યાર્ડોમાં મગફળીની પુષ્કળ આવકઃ ભાવ ગગડીને ટેકાના ભાવ કરતાં પણ નીચે ચાલ્યા ગયા

સરકારી ભાવ રૂ. ૧૦૧૮ જ્યારે યાર્ડમાં પ્રતિ મણ રૂ. ૧૦૦૦ બોલાયા : ભાવને સપોર્ટ મળેએ માટે હવે નાફેડે તરત જ ખરીદી શરૂ કરવી જોઇએ

નવી દિલ્હી,તા.૧૬: ખરીફ માર્કેટિંગ સીઝન વેગ પકડી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી મગફળીની આવક પુરજોશમાં શરૂ થઇ ચુકી છે. અને મંગળવારે ભાવ તુટીને સરકાર નિર્ધારિત લઘુતમ ટેકાના ભાવ (એસએસપી)ની નીચે ચાલ્યા ગયા હતા. જેણે ખેડૂતોમાં સરકારની ખરીદી શરૂ કરવા સંબંધી માંગણી ઉભી કરી છે. વેપારી વર્તુળો પણ માની રહ્યા છે કે ચાલુ સીઝનમાં ઉંચા પાકને જોતા સરકારે તત્કાળ બજારમાં દરમિયાનગીરી કરવાની જરૂર છે.  અને ખેડૂતોને તેમના મહામૂલા ઉત્પાદનને નીચા ભાવે વેચવાની ફરજના પડે તેમ કરવું જોઈએ. મંગળવારે  રાજકોટ યાર્ડમાં ઊંચી ગુણવત્ત્।ા ધરાવતી મગફળીના ભાવ ૧,૦૦૦ પ્રતિ મણ બોલાતા હતા. જે સરકારે નિયત કરેલી રૂ. ૧,૦૧૮ની એમએસપીની સરખામણીમાં નીચા હતા.

''ચાલુ સપ્તાહે મગફળીની આવકમાં જોર આવ્યું છે અને રાજકોટ યાર્ડમાં જ ૭૦,૦૦૦ બોરીની આવી રહી છે. મંગળવારે તો અમે માલ લેવાનો બંધ કર્યો હતો. કેમ કે ગ્રાઉન્ડ પર માલ મૂકવાની જગ્યા જ નહોતી. એક બાજુ ઊંચી આવક અને બીજી બાજુ માગ થોડી નીચી હોવાથી ભાવમાં રૂ. ૫૦-૧,૦૦૦ પ્રિતિ બોરી)નો ઘટાડો નોંધાયો હતો અને તે ટેકાના ભાવથી નીચે ચાલ્યા ગયા હતા.'' એમ સૌરાષ્ટ્ર એમ. એસ.પી. વેપારી એસોસિયેશનના પ્રમુખ અતુલ કમાણી જણાવે છે. તેમના મતે ખેડૂતોને તેમનો ભાવ એમએસપીથી નીચે વેચવો ના પડે તે માટે સરકારી એજન્સી નાફેડે તરત બજારમાં ખરીદી શરૂ કરવી જોઈએ. જેથી ભાવને સપોર્ટ મળી જાય. ચાલુ સીઝનમાં સમયમાં ૩૦-૩૧ લાખ ટન મગફળી પાકવાનો અંદાજ છે. આમાં પ્રાર્રાભિક સમયમાં બજારમાં પ્રવેશેલો ૨.૫-૩ લાખ ટનનો માલ વધુ પડતાં વરસાદને કારણે બગડ્યો હતો અને તે એમએસપીથી નીચે જ વેચાયો હતો. હાલમાં તો તે રૂ. ૮૫૦- ૯૭૫ની રેંજમાં એટલે કે એમએસપીથી નોંધપાત્ર ડિસ્કાઉન્ટમાં વેચાઈ રહ્યો છે. કમાણીના જણાવ્યા મુજબ ત્રણ લાખ ટનના ખરાબ માલને બાદ કરતાં ૨૮ લાખ ટનનો પાક સારી કવોલિટીનો તથા નાફેડના ખરીદી માષદંડમાં બંધબેસતો હશે અને તેથી સરકારે તેની એજન્સીને બજારમાં ખરીદી શરૂ કરવા માટે સૂચના આપવી જોઈએ.

વેપારીઓના મતે સામાન્ય રીતે નાફેડ દિવાળી બાદ બજારમાં ખરીદી શરૂ કરે તેવી શકયતા છે પરતુ ચાલુ વર્ષે ગઈ સાલ કરતાં ૭૦-૮૦ ટકા ઊંચા પાકને જોતાં ખરીદી શરૂ કરવી અનિવાર્ય છે. મંગળવારે રાજકોટ યાર્ડમાં ૯૦- ૭૦,૦૦૦ બોરીની આવક હતી, જયારે ગોંડલ અને સૌરાષ્ટ્રના અન્ય યાર્ડ્સ મળીને ૨-૨.૨૫ લાખ બોરીની આવક હોવાનું વર્તુળો જણાવતાં હતાં. આવકનો ધસારો જોતાં યાર્ડમાં મગફળી મૂકવાની સમસ્યા પણ સતાવી રહી છે અને તેથી ખેડૂતો માટે તેમનો ઉત્પાદનના વેચાણ માટે ચાલુ સીઝનમાં માળખાકીય અસુવિધાનો સામનો કરવાનો રહેશે એમ કમાણીએ ઉમેર્યું હતું.

(11:38 am IST)