Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ગાંધીનગરના યુવાન નિશાંત ભાવસારનો વૈશ્વિક ડંકો :આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મૅડલ જીત્યો

ટેક્વોડો ચેમ્પિયનશીપમાં ૬૩ કિગ્રા વજન જૂથમાં સુવર્ણચંદ્ક હાંસલ કર્યો

 

ગાંધીનગરના યુવાને આંતરરાષ્ટ્રીય ટેક્વોડો ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મૅડલ હાંસલ કરી ગાંધીનગર તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. કુઆલાલમ્પુર, મલેશિયા ખાતે તાજેતરમાં પ્રથમ જેવિન ઇન્ટરનેશનલ ટેક્વોનડો ચૅમ્પયનશીપ યોજવામાં આવી હતી, જેમાં ૬૩ કિગ્રા વજન જૂથમાં ભાગ લઈને ગાંધીનગરના યુવાન નિશાંત કનૈયાલાલ ભાવસારે ગોલ્ડ મૅડલ હાંસલ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્પર્ધામાં ભારત ઉપરાંત મલેશિયા, જાપાન, ઇન્ડોનેસિયા, નેપાળ, ભુતાન, ન્યુઝીલેન્ડ, રશિયા અને સિંગાપોરના ૧૨૬૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો

 ફર્સ્ટ ડેન બ્લૅક બેલ્ટ નિશાંત ભાવસાર ગાંધીનગરના સૅક્ટર-૨૩ના રહેવાસી છે અને હાલ મસલ ફ્રિક જીમ, સૅક્ટર-૨૧ ખાતે ફિટનેસ તથા માર્શલ આર્ટ ટ્રેનર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષથી તેઓ માર્શલ આર્ટ તાલીમ સાથે સંકળાયેલા છે અને પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તેમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ગાંધીનગરનું નામ રોશન કર્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે નિશાંત અગાઉ પાંચ વખત રાષ્ટ્રકક્ષાની માર્શલ આર્ટ સ્પર્ધામાં વિજેતા બની ચૂક્યા છે. ગાંધીનગરના ખેલપ્રેમીઓ તરફથી નિશાંત તરફ અભિનંદનના પ્રવાહ વહી રહ્યા છે.

(12:27 am IST)