Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

રાજ્યમાં ડેંગ્યુથી હાહાકાર ફેલાયો : ૧૧થી વધુ મૃત્યુ

જામનગરમાં વધુ ૪૬ કેસ, સંખ્યા ૭૨૩ : અમદાવાદ શહેરમાં પણ સેંકડો કેસો : સિવિલ સહિતની હોસ્પિટલમાં ખાટલા ઓછા પડતા ઇલાજને લઇ તકલીફો

અમદાવાદ, તા. ૧૫ : જામનગર અને અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં ડેંગ્યુ રોગચાળાએ જોરદાર આતંક મચાવ્યો છે. ડેંગ્યુના હાહાકાર વચ્ચે તંત્રના પગલા બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે. ડેંગ્યુના કારણે જામનગર, અમદાવાદમાં દર્દીઓની સંખ્યા અવિરતપણે વધી રહી છે. જામનગરમાં આજે વધુ ૪૬ કેસ સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે જ છેલ્લા ૧૫ દિવસના ગાળામાં જ ૭૨૩થી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. બીજી બાજુ ૧૧થી વધુના મોત પણ થઇ ચુક્યા છે. દર્દીઓની સારવાર ઝડપથી થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. છતાં પણ રોગચાળાએ આતંક મચાવી દીધો છે. હોસ્પિટલમાં સ્થિતિ એ છે કે, એક જ ખાટલા પર બેથી વધુ દર્દીઓને સારવાર આપવાની ફરજ પડી રહી છે. અમદાવાદમાં પણ માત્ર ૧૨ દિવસના ગાળામાં જ ડેંગ્યુના ૩૬૫થી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. બેના મોત પણ થઇ ચુક્યા છે. અમદાવાદ શહેરમાં ડેંગ્યુનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.

          અમદાવાદ શહેરમાં જ છેલ્લા ૧૧ દિવસના ગાળામાં ૩૬૦થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. તંત્ર તરફથી આ આંકડાને લઇને વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ આરોગ્ય અધિકારીઓએ દાવો કર્યો છે કે, મોટી સંખ્યામાં નાગરિકો મચ્છરોના ફેલાવવાના સ્થળ પર ગંભીરતાથી ધ્યાન આપી રહ્યા નથી. સપ્ટેમ્બર મહિનામાં જ એએમસીના અધિકારીઓ દ્વારા પ્રતિરુમ મચ્છરોની વ્યાપક હાજરીની ચેતવણી આપી હતી. લાંભા વિસ્તારમાં પ્રતિરુમ મોટી સંખ્યામાં મચ્છરો હોવાની વિગતો ખુલી હતી. શાહીબાગ અને અમરાઈવાડી મોસ્કીટો ડેનસિટી ધરાવતા વિસ્તારો છે.

            રાણીપ, વેજલપુર, જોધપુર વિસ્તારમાં પણ રોગચાળાને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. સોમવારના દિવસે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ૧૨૩૬  પ્રોપર્ટી, મોલ, મલ્ટિપ્લેક્ષ, હોસ્પિટલો, સ્કુલો અને કોમર્શિયલ એકમો સામે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે કાર્યવાહી હાથ ધરીને મચ્છરોના ફેલાવવાને રોકવા પગલા લેવાયા હતા. ૪૦થી વધુ એકમોને સીલ કરી દેવાયા હતા. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મચ્છરોના બ્રિડિંગમાં ઉંડી તપાસ હાથ ધરી છે.

(9:41 pm IST)