Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

અમદાવાદમાં ખરાબ હવામાનના કારણે તાવ, શરદી, ડેન્ગ્યુ, સ્‍વાઇન ફ્લુ, મેલેરીયાનો રોગચાળો વધ્યોઃ હોસ્‍પિટલમાં દર્દીઓની ભીડ

અમદાવાદઃ અત્યારે ખરાબ હવામાનને કારણે શહેરના દવાખાના અને હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. દરેક ઘરમાં તાવ, શરીરના દુઃખાવા અને અન્ય મચ્છરજન્ય રોગોને કારણે થતી બીમારીઓના કેસ જોવા મળી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષે દર્દીઓને ડેંગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા એક સાથે થઈ રહ્યા છે. આથી તેમને એક કરતા વધારે અથવા તો ત્રણેય રોગોની સારવારની જરૂર પડી રહી છે. શહેરમાં ચાર તબક્કામાં વરસાદ પડ્યો છે પરંતુ મચ્છરનો આતંક ઓછો થયો નથી. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ શહેરમાં મેલેરિયા ફેલાવતા એનોફિલિસ, ડેંગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતા એડિસ ઈજિપ્તિ મચ્છરોનો ઉપદ્રવ યથાવત્ છે.

એક સાથે ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાઃ

સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડો. આશા શાહે જણાવ્યું, છેલ્લા કેટલાંક વર્ષોમાં દર્દીઓને એક કરતા વધુ ઈન્ફેક્શન થયા હોવાના કિસ્સા જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું, “અમે સમજી શકીએ છીએ કે ડેંગ્યુ અને ચિકનગુનિયા એક મચ્છરથી ફેલાતા હોવાથી બંનેની અસર દર્દીમાં સાથે દેખાય. પરંતુ ઘણા કિસ્સામાં સાથે મેલેરિયા પણ જોવા મળે છે. ઘણી વાર અમે ફાલ્સિપેરમ અને વાઈવેક્સના લક્ષણો પણ જોવા મળે છે. આથી અમે વિદ્યાર્થીઓને વિવિધ લક્ષણો પરથી રોગનું નિદાન કર્યા પછી અટકવાની સલાહ આપીએ છીએ.”

આવા લોકોને આસાનીથી થાય છે ઈન્ફેક્શનઃ

અમદાવાદના ફિઝિશિયન ડો. મનોજ વિઠલાણીએ વાત સાથે સંમત થતા જણાવ્યું, “જે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને વયોવૃદ્ધ લોકોમાં એક કરતા વધુ ઈન્ફેક્શન જોા મળે છે. થોડા વર્ષ પહેલા જવલ્લે આવું જોવા મળતું હતું પરંતુ હવે આવા કિસ્સાઓ વધતા જાય છે. આનું કારણ નિષ્ણાંતોએ શોધવું રહ્યું.” તેમણે લોકોને મચ્છરના ઉદ્ભવ સ્થાન અને જળાશયોથી ચેતતા રહેવાની સલાહ આપી હતી.

કેસની સંખ્યા વધીઃ

ઓક્ટોબરના પ્રથમ 13 દિવસમાં શહેરમાં ડેંગ્યુના 12, ટાઈફોડના 13 અને કમળાના 11 કેસ રોજ નોંધાય છે. ગત વર્ષ કરતા વર્ષે ડેંગ્યુના કેસમાં 24 ટકાનો વધારો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ 2017ની સરખામણીએ વર્ષે ટાઈફોડના કેસમાં 76 ટકા અને કમળાના કેસમાં 55 ટકાનો વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વાસ્તવિક આંક તો આના કરતા પણ ઊંચો હોવાની શક્યતા છે. અધિકારીએ જણાવ્યું, “ડેંગ્યુને કારણે શાળાના એક વિદ્યાર્થીનું મોત થઈ ગયુ હતુ પરંતુ તે AMCના ડેટામાં દેખાતુ નથી.” તેમના મતે લેબોરેટરીમાંથી મળતા ડેટામાંથી પરિસ્થિતિનો ક્યાસ કાઢી શકાય. અધિકારીએ વધુમાં જણાવ્યું કે શારદાબેન જેવી હોસ્પિટલોમાં પલંગ ખાલી નથી મળતા. વળી, ખાનગી હોસ્પિટલો આંકડા આપતી નથી. બધુ ધ્યાનમાં લઈએ તો આંક હજુ વધારે ઊંચો જાય. અધિકારીઓએ જણાવ્યું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ટાઈફોડના 227 કેસ નોંધાયા હતા. તેની સામે વર્ષે પહેલા 13 દિવસમાં 168 કેસ નોંધાયા છે. કમળાની વાત કરીએ તો આંક 216 અને 140 જેટલો છે.

એક દિવસમાં સ્વાઈન ફ્લુના 23 કેસઃ

રવિવારે શહેરમાં એક દિવસમાં સ્વાઈન ફ્લુના 23 નવા કેસ નોંધાયા હતા. સાથે H1N1ના ટોટલ કેસનો આંક 607 થઈ ગયો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુને કારણે 28 લોકોના મોત થયા છે જેમાંથી 19 તો ઓક્ટોબર અને સપ્ટેમ્બર મહિનામાં થયા છે. કોર્પોરેશનના અને ગુજરાત સરકારના આંકડામાં ભારે ફેર જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનના આંક મુજબ જાન્યુઆરીથી 412 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્ય સરકારના જણાવ્યા મુજબ અમદાવાદમાં કુલ 607 કેસ નોંધાયા છે. કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે તેમના ડેટા પ્રમાણે 412 કેસ નોંધાયા છે અને તેમાંથી 374 તો સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં નોંધાયા છે. અધિકારીએ જણાવ્યું કે ઓક્ટોબરમાં નવ દિવસમાં 122 કેસ નોંધાયા છે. જો કે અત્યાર સુધી તેમાં માત્ર એક મોત થયું છે.

(5:14 pm IST)