Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

લાંચીયાઓએ 'લાંચ' લેવામાં નવરાત્રીના ઉપવાસ ન રાખ્યાઃ ૧ લાખથી લઇ ૧૦૦૦ સુધીની લાંચ એક જ દિવસમાં લેવાઇ

એક દિવસમાં ૬ જાળમાં સપડાયાઃ કેશવકુમારના માર્ગદર્શનમાં સપાટોઃ હિમાંશુ દોશીએ પસંદગી યથાર્થ ઠેરવી

રાજકોટ, તા., ૧૬:  ગઇકાલનો દિવસ ગુજરાતના એસીબીમાં અનોખો બની રહયો. નવરાત્રીના કારણે નકોરડા ઉપવાસ કરતા ભકતોની એક તરફ ભકિત અને બીજી તરફ કેટલાક લાંચીયાઓએ નવરાત્રીના તહેવારોની મર્યાદા ન જાળવી હોય તેમ એક જ દિવસમાં ૧ લાખથી લઇ એક હજાર સુધીની લાંચ લેવાઇ. એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં સપાટો બોલી ગયો.

દાહોદની વાત કરીએ તો મામલતદાર ડી.એન. પટેલે એક ફરીયાદીની જમીન રેવન્યુ રેકર્ડમાં ચડાવવા માટે પ૦ હજારની લાંચ નક્કી કરી તે પૈકી ૩૧ હજારની લાંચ લેતા મામલતદાર તથા તેના સ્ટાફના ઓપરેટર  અદનાન જોહર વોરા ઝડપાઇ ગયા હતા. ભરૂચ પંથકના સારંગપુરમાં સરપંચ ગોપાલભાઇ વસાવા અને તલાટી મંત્રી દિનેશભાઇ પટેલ એલઇડી લાઇટનું બીલ મંજુર કરવા માટે માંગેલ રૂપીયા ૧૦ હજારની લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયા.

વડોદરામાં ઓફીસ આસીસ્ટન્ટ પરાશર હેમંતભાઇ તથા નિરજકુમાર સીંધી સરકારી અનાજના ઓર્ડર રીલીઝ કરવાના કામે રૂ.૧૦૦૦ની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

એન્ફોર્સમેન્ટ ઓફીસર પારૂ તીવારી તથા હસમુખભાઇ ત્રિવેદીએ એક ફરીયાદી પાસેથી તેના એક વર્ષની પીએફની રકમ બાકી હોય તે બાકી રકમ માટે એક લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક તરીકે જેમની ખાસ પસંદગી કરવામાં આવી છે તેવા હિમાંશુ દોશીએ જામનગર જીલ્લાના સિક્કાના પીએસઆઇ મહેતા, હેડ કોન્સ્ટેબલ હસમુખ મનસુખભાઇ તથા દિનેશભાઇ મકવાણાને રૂ.પ૦ હજારની લાંચના છટકામાં ઝડપી લીધા હતા.

 ટ્રકમાં ઓવરલોડ માલ ચડાવવા દેવા આ રકમ માંગી હતી. હિમાંશુ દોશીના સુપરવીઝનમાં  સુરેન્દ્રનગર એસીબી પીઆઇ જાનીએ આબાદ છટકુ ગોઠવેલ. એચ.પી.દોશી રાજકોટ એસીબીમાં પીઆઇ દરજ્જે ડેપ્યુટી કલેકટર કક્ષાના અને પ્રિન્સીપાલ દરજ્જાના અધિકારીને ઝડપી લીધા હતા. આમ પસંદગી સાર્થક ઠરાવી છે.

(3:24 pm IST)