Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સરકારનું હિત હોય તેવી જમીનના મૂલ્યાંકન માટે નીતિમાં ફેરફાર

જમીનની કિંમત નક્કી કરવા ત્રણ વેંચાણ વ્યવહાર ધ્યાને લેવાશે

ગાંધીનગર તા.૧૬: સરકારી/ સરકારનું હિત સમાયેલ હોય તેવી જમીનના મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા સરકારે જાહેર કરી છે. મહેસુલ વિભાગના સચિવ એ.બી. પટેલની સહીથી પરિપત્રમાં જણાવાયું છે કે, જમીન મૂલ્યાંકન માટે અસરકર્તા પરિબળને યોગ્ય રીતે આલેખન માટે ઉપલબ્ધ વેચાણોની પસંદગી, મૂલ્યાંકન તારીખ તેમજ અસરકર્તા પરિબળોના ગુણાંક નીચે મુજબ નક્કી કરવામાં આવે છે.

મહેસુલ વિભાગની સંબંધિત કચેરી દ્વારા સરખાવવાપાત્ર વેચાણોની પસંદગી માટે નીચે દર્શાવ્યા મુજબની બાબતો ધ્યાને રાખી નગર આયોજન અને મૂલ્યાંકન ખાતાને પાઠવવાના રહેશે, મૂલ્યાંકન હેઠળની જમીનની કિંમત અંદાજવા સારૂ ઓછામાં ઓછા નીચે દર્શાવ્યા મુજબ વેચાણો ધ્યાને લેવાના રહેશે, સવાલવાળી જમીનનું ક્ષેત્રફળ ૩૦૦૦ ચો.મી. કરતા ઓછું હોય તો ઓછામાં ઓછા ત્રણ વેચાણ ધ્યાને લેવાના રહેશે, સવાલવાળી જમીનનું ક્ષેત્રફળ ૩૦૦૦ ચો.મી.થી વધુ પરંતુ ૧૦,૦૦૦ ચો.મી. કરતા ઓછું હોય તો ઓછામાં ઓછા સાત વેચાણો ધ્યાને લેવાના રહેશે, સવાલવાળી જમીનનું ક્ષેત્રફળ ૧૦,૦૦૦ ચો.મી. કરતા વધુ હોય તો ઓછામાં ઓછા ૧૦ વેચાણો ધ્યાને લેવાના રહેશે, મુલ્યાંકન હેઠળની જમીનની આસપાસ એક કિ. મી.ની ત્રિજયામાં છેલ્લા એક વર્ષના સરખામણી પાત્ર વેચાણોને જ ધ્યાને લેવાના રહેશે. પરંતુ તે વિસ્તારમાં ઉપરોકત (૧.૧) માં દર્શાવ્યા મુજબના વેચાણો ઉપલબ્ધ ન થાય તેવા કિસ્સામાં, છેલ્લા બે વર્ષના વેચાણો ધ્યાને લેવાના રહેશે અને તે પ્રમાણે પણ વેચાણો ઉપલબ્ધ ન થાય તો,

દોઢ કી. મી. ની મર્યાદામાં આવતા વેચાણો ધ્યાને લેવાના રહેશે અને તે વિસ્તારમાં  પણ નિયત કરેલ એક વર્ષના વેચાણો ઉપલબ્ધ ન થાય તો બે વર્ષ સુધીના વેચાણો ધ્યાને લેવાના રહેશે.

ઉપરોકત પરિસ્થિતિમાં પણ વેચાણો ઉપલબ્ધ ન થાય તો ઉત્તરોતર ૧ કિ.મી.ની ત્રિજયાનો વધારો કરી મહત્તમ ૧૦ કિ.મી. સુધીની ત્રિજયામાં આવતા વિસ્તારના વેચાણો ધ્યાને લેવાના રહેશે. તેમ છતાં જો વેચાણો ઉપલબ્ધ ન થાય તો નજીકના સરખા પ્રકારના ગામોના વેચાણો ધ્યાને લેવાના રહેશે.

જયારે એક જ સર્વે નંબર કે એક જ સોસાયટીના એકસમાન વેચાણ દર, એક જ તારીખ ધરાવતા એકથી વધુ વેચાણો ઉપલબ્ધ હોય, તેવા કિસ્સામાં તમામ વેચાણો મુલ્યાંકન હેઠળની જમીનને માનવ સર્જિત પરિબળો જેવા કે, કેનાલ, હાઇટેન્શન ઇલેકટ્રીક લાઇન (૬૬ કે. વી.થી વધુ), ઓ. એન. જી. સી. લાઇન, રીબન ડેવલપમેન્ટ રૂલ્સ, રેલ્વે લાઇન, એરપોર્ટ, પ્રતિબંધીત વિસ્તાર વિગેરેને કારણે અસર થતી હોય તો જેટલી જમીન ઉપયોગમાંથી છોડી દેવી પડતી હોય તેટલી જમીન માટે વરાડે પડતી અંદાજીત ટકાવારી જેટલો ઘટાડો વધુમાં વધુ ર૦ ટકા સુધી પ્રતિ ચો. મી. રકમના સ્વરૂપે આપવાનો રહેશે. અને તે અંગે પત્રકના રીમાર્કસ કોલમમાં મુદાસર લેખિત નોંધ કરવાની રહેશે. જરૂર જણાયે જીલ્લા કક્ષાની મુલ્યાંકન સમિતિ - રાજયકક્ષાની મુલ્યાંકન સમીતી દ્વારા ર૦ ટકાથી વધુ ઘટાડો પ્રતિ ચો. મી. રકમના સ્વરૂપે આપી શકશે અને તેવા કિસ્સામાં જીલ્લા કક્ષાની મુલ્યાંકન સમીતિ રાજયકક્ષાની મુલ્યાંકન સમિતી દ્વારા તે બાબતે કાર્યવાહી નોંધમાં સ્પષ્ટ કારણો અચુક દર્શાવવાના રહેશે. (૧.૨૬)

 

(3:22 pm IST)