Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

વડોદરાનો આ યુવાન શું કામ વાજતે ગાજતે જેલમાં ગયો?

હેરાન કરી રહેલી વાઇફને ભરણપોષણ ન આપવાનો ગુનો હેમંત રાજપૂતે પેરન્ટ્સને પૂછીને જ કર્યો અને પછી સામેથી શરણાગતિ પણ સ્વીકારી લીધી

વડોદરા તા.૧૬: વડોદરાની ફેમીલી કોર્ટે કરેલા હુકમ પ્રમાણે વડોદરાનાં હેમંત રાજપૂતે તેની વાઇફ સુનીતાનેે દર મહિને ૩૫૦૦ રૂપિયાનું ભરણપોષણ ચૂકવવાનું હતું જે તે નિયમિત ચૂકવતો હતો, પરંતુ સુનીતાની હેરાનગતિ એ પછી પણ એકધારી ચાલુ રહેતાં અને તેણે હેમંતના પેરન્ટ્સને સતત હેરાન કરવાનું ચાલું રાખતાં હેમંતે તેના પેરન્ટ્સની પરમિશન લઇને માસિક ભરણપોષણ ચૂકવવાનું બંધ કરી દઇને જેલમાં જવાનું પસંદ કર્યુ. હેમંતે ગઇ કાલે સામેથી શરણાગતિ પણ સ્વીકારી લીધી હતી. એ માટે તેને વાજતે ગાજતે, હારતોરા સાથે મિત્રો અને પેરન્ટ્સને વડોદરાના બાપોદ પોલીસ-સ્ટેશને મુકવા ગયા હતા. પોલીસ સ્ટેશને પણ આ આખું દ્રશ્ય જોઇને પોલીસ -સ્ટાફ પણ હેબતાઇ ગયો હતો.

હેમંતે કહયું હતું કે 'કાયદા સ્ત્રીલક્ષી છે એને લીધે મારા જેવા અનેક લોકોએ ભોગવવું પડે છે. ભરણપોષણ મળતુ હોવા છતાં જાતજાતની માગણી સાથે મને અને મારા માતા-પિતાને હેરાન કરવાનું સુનીતાનું ચાલુ જ હતું એટલે હવ નાછૂટકે મેં મારી જાતને જેલમાં બંધ કરી દેવાનું નક્કી કરી લીધું છે.'

પંદર વર્ષ પહેલાં હેમંત અને સુનીતાનાં લગ્ન થયાં હતાં અને થોડા જ સમયમાં સુનીતા તેના પેરન્ટ્સને ત્યાં ચાલી ગઇ હતી. બે વર્ષ પછી તેણે કોર્ટમાં ડિવોેર્સની માગણી કરી અને હેમંત એ માટે તૈયાર થઇ ગયો. જોકે એ પછી પણ દર વખતે સુનીતા કોઇને કોઇ બહાને આ છૂટાછેડા અટકાવી દે છે અને ઘરે આવીને ઝઘડા કરીને તેનાં માબાપના ઘરે જતી રહે  છે.

વડોદરાના સયાજીપુરામાં રહેતા હેમંત ગઇકાલે ભરણપોષણ ન આપવાનો ગુનો જાતે જ કરીને માબાપની જવાબદારી તેના ભાઇબંધોને સોંપીને જેલમાં જવાનું પસંદ કર્યું હતું. પોલીસ -સ્ટેશન સુધી હેમંતને મૂકવા આવેલા પેરન્ટ્સ પોલીસ -સ્ટેશનની બહાર ધ્રુસકે-ધ્રુસકે રડી પડયા ત્યારે ત્યાં હાજર રહેલા બધાની આંખો ભીની થઇ ગઇ હતી.(૧.૭)

(11:46 am IST)