Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

આંતરિક કલહ અને રાજકીય હુંસાતુંસીએ ભાજપ શાસનના અંતની શરૂઆત : સુરેશ મહેતા

પૂર્વ મુખ્યમંત્રી અને એક સમયે ભાજપના દિગ્ગજ નેતા રહી ચૂકેલા સુરેશ મહેતાનો વર્તમાન હાઇ વોલ્ટેજ રાજકીય ડ્રામા સંદર્ભે વ્યંગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના એકાએક રાજીનામા અને નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ એ સંદર્ભે ભાજપમાં સર્જાયેલ આંતરિક ખેંચતાણ અને રાજકીય હુંસાતુંસીએ રાજયમાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા સજર્યો છે. તેમાંયે બે દિવસથી ભાજપના અમુક સિનિયર નેતાઓની નારાજગી બહાર આવતી રહી અને ગઇકાલે શપથવિધિ સમારોહ મુલત્વી રહ્યો તે સમાચારો સતત ચર્ચામાં રહ્યા.

ગુજરાતએ ભાજપનો ગઢ રહ્યું છે અને એમાં આંતરિક રાજકીય ઉથલપાથલ એ લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ સંદર્ભે ભાજપના એક સમયના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ વ્યંગ કરતાં જણાવ્યું હતું કે, આંતરિક કલહ અને હુંસાતુંસી એ દર્શાવે છે કે, હવે ભાજપના શાસનના અંતની શરૂઆત થઈ ચૂકી છે.

ભાજપ છોડી ચૂકેલા સુરેશ મહેતા એક સમયે ભાજપમાં રાજય અને રાષ્ટ્રીય રાજકારણમાં દિગ્ગજ અને વિચક્ષણ નેતા રહી ચૂકયા છે. અત્યારે નિવૃત્તિનો સમય મોટેભાગે ગાંધીનગરમાં ગાળતાં સુરેશભાઈ મહેતા અવારનવાર વતન કચ્છ આવતાં રહે છે. તેમજ નર્મદાના પાણી સહિતના કચ્છના અન્ય પ્રશ્નો સંદર્ભે પણ અવાજ ઉઠાવતા રહે છે.

(10:38 am IST)