Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી : 6.60 કરોડના કસરતના સાધનો સપ્લાય નહિ કરનાર કંપની શ્રી બોડીકેર ફિટનેશનને બ્લેક લીસ્ટ કરાઈ

વિવાદી કંપનીને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત મંજુર : રુ 8.12 લાખની ડિપોઝીટ જપ્ત કરી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ટેન્ડર મેળવી લીધાં બાદ કામ કરવામાં ગલ્લા-તલ્લાં કરનારી કંપની સામે લાલ આંખ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી મરીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેજ કમિટીમાં રુ. 6.60 કરોડના કસરતના સાધનો સપ્લાય ન કરનારી કંપની શ્રી બોડીકેર ફિટનેશની રુ 8.12 લાખની ડિપોઝીટ જપ્ત કરી દીધી છે સાથે આ વિવાદી કંપનીને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. બે વર્ષ પહેલાં 52 પ્રકારના જુદા-જુદા કસરતના સાધનો સપ્લાય, ઇન્સ્ટોલેશન અને મેઇન્ટેનન્સની દરખાસ્ત મંજુર કરાઇ હતી પણ કોન્ટ્રાક્ટર કંપનીએ નક્કી કરેલી કિંમતે સાધનો સપ્લાય કરવાની અસંમતિ દર્શાવી હતી જેના કારણે હવે કંપનીને બ્લેક લીસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અંબુભાઇ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંચાલિત વ્યાયામ શાળામાં જુદા-જુદા 52 પ્રકારના કસરતના સાધનો ખરીદી કરવા માટે સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતુ જેમાં 52 પ્રકારના જુદા-જુદા સાધનો સપ્લાય કરવા, સાધનોને ઇન્સ્ટોલ કરવા અને ત્રણ વર્ષ માટે સાધનોને મેન્ટેન્સ સાથેનો એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટનું ટેન્ડર હતુ જેમાં 6.60 કરોડની મર્યાદામાં સાધનોની ખરીદી કરવાની હતી.

જેમાં તા.3-1-2020ના રોજ શ્રી બોડીકેર ફિટનેશ નામની કંપનીનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતુ પણ આ કંપની દ્વારા સાધનો સપ્લાય કરવામાં આવ્યા ન હતા સાથે નિયત કરેલા ભાવથી સાધનો સપ્લાય કરવાની અસંમતિ દર્શાવી હતી. જેથી બે વર્ષ સુધી આ દરખાસ્ત અમલમાં આવી ન હતી પછી આખરે અમદાવાદ મ્યુનિ.ની મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેજ કમિટી દ્વારા કંપની સામે શિક્ષાત્મક પગલાં ભરવાની તૈયારી કરાઇ હતી. જેના ભાગરુપે કંપની દ્વારા ટેન્ડરની ઇએમડી કમ ડીપોઝીટ પેટે ભરેલી 8.12 લાખની રકમ જપ્ત કરવાનો નિર્ણય કરાયો હતો. સાથે આ કંપનીને ત્રણ વર્ષ માટે બ્લેક લીસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે.

આ અંગેની સત્તાવાર દરખાસ્ત આજે મંજુર કરવામાં આવી હતી. હવે આ કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મૂકાશે. આ અંગે કમિટીના ચેરમેન આશિષ પટેલે જણાવ્યું હતુ કે, આજે મળેલી કમિટીમાં કંપનીને બ્લેક લીસ્ટ કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.

ઉપરાંત અમદાવાદ મ્યુનિ.ની આજે હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠક મળી હતી પણ ડે. મ્યુનિ. કમિશનર સહિત અન્ય જવાબદાર અધિકારીઓ કમિટીમાં ગેરહાજર રહ્યાં હતા જેના કારણે હેલ્થ કમિટીના એજન્ડા ઉપર મુકાયેલી સાત જેટલી દરખાસ્ત નેક્સ્ટ કરવામાં આવી હતી. પહેલીવાર એવું બન્યું હતુ કે, કોઇ કમિટીની બેઠક મળી હોય તેમાં કોઇ અધિકારી ગેરહાજર રહેવાના કારણે તમામ કામો બાકી રાખવામાં આવ્યા હોય.

(10:25 pm IST)