Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

અજાણ્યા શખ્સોએ યુવાનને ચપ્પુ મારી મોતને ઘાટ ઊતાર્યો

સુરતમાં ત્રણ દિવસમાં પાંચમી હત્યાથી સનસનાટી : ગણપતનગરમાં ૨૫ વર્ષીય યુવાન સંતા મણીરામ યાદવ પર પાંચથી ૬ જેટલા યુવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો

સુરત,તા.૧૬ : શહેરમાં ગુનેગારો કાબૂ બહાર થઈ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. જે બાદમાં પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. શહેરમાં સતત ત્રીજા દિવસે પણ હત્યાની ઘટના બનવા પામી છે. છેલ્લા ત્રણ દિવસમાં પાંચમી હત્યાની ઘટના સામે આવી છે. શહેરમાં મોડી રાત્રે સુરતના પાંડેસરા વિસ્તારમાં ૨૫ વર્ષીય યુવાનને કેટલાક અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદમાં યુવક પાસે રહેલો મોબાઇલ ફોન, રોકડ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. પોલીસે અનુમાન લગાવ્યું છે કે આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોઈ શકે છે. સુરત આમ તો વેપાર અને ખાસ કરીને સ્વચ્છતા માટે દુનિયામાં જાણીતું છે. કોરોના મહામારી બાદ સતત આ શહેરમાં ગુનાખોરી વધી રહી છે.

                      છેલ્લા ત્રણ દિવસ સુરત શહેરમાં સતત હત્યાની ઘટના બની રહી છે. ગતરોજ રાત્રે વધુ એક યુવાની હત્યા સાથે શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં પાંચ હત્યા પોલીસ ચોપડે નોંધાવા પામી છે. હજુ પ્રેમ પ્રકરણમાં એક યુવાની હત્યાના આરોપીને સુરત પાંડેસરા પોલીસ પકડી લાવી છે ત્યારે જ આ જ વિસ્તારમાં બીજી એક હત્યા થવા પામી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગોવાલનગર ચાર રસ્તા પાસે આવેલા ગણપતનાગરમાં ૨૫ વર્ષીય યુવાન સંતા મણીરામ યાદવ પર પાંચથી છ જેટલા યુવાનોએ હુમલો કર્યો હતો. હુમલો કરનાર ઈસમો સંતાને ચપ્પુ જેવા ઘારદાર હથિયારના ઘા મારી તેની પાસે રહેલા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા લઇને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા પાંડેસરા પોલીસ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ શરુ કરી હતી. યુવાનની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યાના લઇને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે મારનાર યુવાનની હત્યા લૂંટના ઇરાદે અથવા અંગત અદાવતમાં થઇ હોવાનું પ્રાથમિક તારણ કાઢ્યું છે. આ સાથે જ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

(7:17 pm IST)