Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

સુરત: પીસીબીએ સાતવલ્લા પુલ નજીક કારમાં બે મહિલાઓ સાથે દારૂની ડિલિવરી કરતા વલસાડના દંપતીને ઝડપી પાડયા

સુરત: શહેરમાં પીસીબીએ સચીન સાતવલ્લા પુલ પાસેથી કારમાં બે મહિલાઓ સાથે સુરતમાં દારૂની ડીલીવરી આપવા આવતા વલસાડના કિલ્લા પારડીના દંપત્તીને રૂ.53,300 ના દારૂ સાથે ઝડપી પાડી સુરતના બે ને પણ બાદમાં ઝડપી લીધા હતા. 

ઉપરાંત, પીસીબીએ જ પુણા સીમાડા કેનાલ રોડ ઉપર રક કારમાંથી ઉધનાના યુવાનને રૂ.37,544 ની કિંમતની વ્હીસ્કીની બોટલો સાથે ઝડપી લીધો હતો. અગાઉ પ્રિન્ટીંગનું કામ કરતા યુવાનની આર્થિક સ્થિતી લોકડાઉનમાં બગડતા તેણે દારૂનો ધંધો શરૂ કર્યો હતો.

પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ મંગુભાઇ અને જીતેન્દ્રભાઈ મોહનભાઇને મળેલી બાતમીના આધારે પીસીબીએ સચીન સાતવલ્લા પુલ પાસે ઉમા કોલ્ડ સ્ટોરેજ તરફ જવાના રોડ ઉપર કાર ( નં.જીજે-15-સીજે-9235 ) માંથી સુનીલ રમેશભાઈ પટેલ ( ઉ.વ.32 ), તેની પત્ની આરતી ( ઉ.વ.27 ) તેમજ ગીતાબેન બાલુભાઈ પટેલ ( ઉ.વ.51), માયાબેન મનોજભાઈ પટેલ ( ઉ.વ.35 ) ( તમામ રહે. કિલ્લા પારડી ગામ, ડુંગરી ફળીયું, પોણીયા રોડ, તા.પારડી, જી, વલસાડ ) ને રૂ.53,300 ની કિંમતની દારૂની 107 બોટલ સાથે ઝડપી પાડી તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂ.4,63,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીસીબીએ તેમની પુછપરછના આધારે દારૂનો જથ્થો મંગાવનાર સંજય દિનેશચંદ્ર પપૈયાવાળા ( રહે.સત્યનગર સોસાયટી, ઉધના, સુરત ) અને પરેશ બાલુભાઈ પટેલ ( રહે.મલગામા ગામ, તા.ચીર્યાસી, જી,સુરત ) ને પણ બાદમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(5:05 pm IST)