Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

વિધાનસભાગૃહમાં પત્રકારો માટે પણ રેપીડ ટેસ્ટ ફરજીયાત: માત્ર 25 પત્રકારોને જ પ્રવેશ

ધારાસભ્યના પીએ -ડ્રાઈવરને સંકુલમાં પ્રવેશબંધી: તમામ પ્રવેશદ્વાર ઉપર સેનીટેશનની પણ વ્યવસ્થા

અમદાવાદ : આગામી 21 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું ચોમાસું સત્ર મળશે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિધાનસભાના સત્ર દરમિયાન ફકત પ્રધાનો, અધિકારીઓ અને ધારાસભ્યોને જ પ્રવેશ આપવામાં આવશે. ધારાસભ્ય સાથે આવેલા પી.એ. અને ડ્રાઈવરને પણ વિધાનસભા સંકુલની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે.તેમજ 25 પત્રકારોને જ પ્રવેશ આપવા મા આવશે.જેમા રોટેશન આપવા નો નિર્ણય જાહેર કરવામા આવ્યો છે.

  બેઠક વ્યવસ્થા મુદ્દે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કુલ 171 જેટલા ધારાસભ્યો છે જેમની બેઠક વ્યવસ્થા અગાઉથી નક્કી કરી દેવામાં આવી છે. જેમાં 92 જેટલાં ધારાસભ્ય વિધાનસભા હાઉસમાં અને 79 ધારાસભ્ય પ્રેક્ષક ગેલેરીમાં બેસી શકશે. વિધાનસભાગૃહમાં આવનારા તમામ ધારાસભ્યોએ રેપિડ ટેસ્ટ કરવું ફરજીયાત રહેશે અને જેવો પોતાના વિસ્તારમાંથી ટેસ્ટ કરીને આવ્યા હશે તેઓને તેમની સાથે પ્રમાણપત્ર પણ લાવવું રહેશે. વિધાનસભાગૃહમાં પત્રકારો માટે પણ રિપીડ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે.

 જ્યારે વિધાનસભાગૃહમાં તથા વિધાનસભા સંકુલમાં સંક્રમણ ન થાય તે માટે વિધાનસભાના ભોય તળિયે બંને બાજુના પ્રવેશદ્વાર ઉપર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલથી સ્કેનીંગ અને સેનિટેશન ની પણ વ્યવસ્થા રાખવામાં આવશે. વિધાનસભા ગૃહના બીજા માળે ત્રણ પ્રવેશ દ્વાર ખુલ્લા રાખવામાં આવશે. ત્રીજા માળે ફક્ત બે જ પ્રવેશ દ્વાર ખુલ્લા રાખવામાં આવશે. આ તમામ પ્રવેશદ્વાર ઉપર સેનીટેશનની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
વિધાનસભા ગૃહ અને વિધાનસભા સંકુલમાં પોલીસ સ્ટાફ એટલે કે સલામતી શાખાના અધિકારી અને કર્મચારીઓએ પણ રેપિડ ટેસ્ટ કરાવવાના રહેશે ત્યારબાદ જ તેઓ પોતાની ફરજ નિભાવી શકશે.તેમ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી જણાવ્યુ છે.

(11:30 am IST)