Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ઇતિહાસમાં પ્રથમ વખત વિધાનસભા ભાજપની બેઠક મહાત્મા મંદિરે મળશે!

ભાજપની ર૦મીએ અને કોંગ્રેસની ૧૯મીએ કે ર૦મીએ બેઠક મળે તેવા નિર્દેશોઃ મહાત્મા મંદિરના હોલ ખાતે ત્રણથી ચાર હજાર જેટલી બેઠક વ્યવસ્થા, સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહેશે : વિધાનસભા ભવનમાં મંત્રીઓની ઓફિસોના સ્ટાફની સંખ્યામાં પણ ઘટાડો કરાશેઃ સત્ર દરમ્યાન મુલકાતીઓ માટે પ્રવેશબંધીઃ અત્યાર સુધી શ્રેષ્ઠ કામગીરી બજાવનાર બે શ્રેષ્ઠ ધારાસભ્યોને એવોર્ડથી નવાજાશેઃ પ્રશ્નકાળ પણ નહિ હોવાથી અધિકારીઓ પણ જોવા નહિ મળે

(અશ્વીન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૬ : આગામી તા.ર૧ મીથી મળનાર વિધાનસભાના સત્રમાં સત્તાધારી પક્ષ માટે આકરા ચઢાણ જેવી પરિસ્થિતિ કોરોનાના કારણે ઉભી થઇ છે આ પરિસ્થિતિનો સામનો કઇ રીતે કરવો તે માટે તા. ર૦ મીના રોજ ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળે તેવી વિગતો બહાર આવ્યા પામી છે.

આ બેઠક અત્યાર સુધી વિધાનસભા ખાતે આવેલ પક્ષની બેઠક ખંડમાં મળતી હતી પરંતુ આ વખતે આ બેઠક કક્ષમાં કોરોનાના કારણે ફેરફાર કરવાની વાત આવી રહી છે.

આ ફેરફાર જો કરવામાં આવે તો હવે ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિર ખાતે બેઠક મળેતેમ જાણવા મળે છે. મહાત્મા મંદિરના આ હોલની અંદાજે ૩ થી ૪ હજાર જેટલી બેઠક વ્યવસ્થા છે જેના લીધે સોશ્યલ ડિસ્ટન્સ  જળવાઇ રહે તેવુ  માનવામાં આવી રહ્યું છે.

બીજી તરફ વિરોધપક્ષ પણ સરકારનો સામના કરવા તા.૧૯ કે ર૦ મી કોંગ્રેસ પક્ષની બેઠક બોલાવશે આ બેઠક કયા મળશે તે અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ ઉપરાંત વિધાનસભા ભવન ખાતે આવેલ મંત્રીઓની ઓફીસમાં સ્ટાફની સંખ્યા પણ મર્યાદીત રાખવામાં આવશે. બીજી અગત્યની બાબત અત્યાર સુધીમાં પ્રથમ વખત પ્રશ્નોતરી કાળ રદ કરવામાં આવ્યો છે જેના કારણે જુદા જુદા વિભાગના પ્રશ્નોની ચર્ચા માટે મંત્રીઓની સેવામાં ઉપસ્થિત રહેતા અધિકારીઓ પણ નહિ આવે એટલે અધિકારીઓની દીધા પણ ખાલી જેવી રહેશે કોઇપણ મુલાકાતીઓને આ સત્રના સમય દરમ્યાન પ્રવેશ આપવામાં નહિ આવે.

બીજી અગત્યની બાબત એ છે કે આ સત્રમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ કામગીરી બદલ બે ધારાસભ્યોને એવોર્ડ  આપવામાં આવશે. આ ધારાસભ્યોની પસંદગી માટે ખાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ તમામ પાસાઓ વિચારી નામની પેનલ બનાવી અધ્યક્ષને અને મુખ્યમંત્રીને આપશે ત્યારબાદ બે શ્રેષ્ઠ સભ્યોના નામની જાહેરાત કરવામાં આવશે તેમ જાણવા મળે છે. એટલું જ નહિ આ શ્રેષ્ઠ ધારાસભ્યોને ૧૧૦૦ ગ્રામ ચાંદીની મુદ્રા પણ ભેટ આપવામાં આવે તેવી વાત પણ છે.

(11:22 am IST)