Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સરદારનગર : દારૂની મહેફિલ માણતા છની કરાયેલી ધરપકડ

૧૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયોઃ દિપુ જય માતાજીની ઓફીસમાં નબીરા શરાબની મહેફિલ માણતા ઝડપાયા : પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ ચકાસણી

અમદાવાદ, તા.૧૬: સરદારનગર પોલીસે દારૂની મહેફિલ માણતાં છ લોકોની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે ત્રણ નંગ દારૂના ક્વાર્ટર, બે કાચની બિયરની બોટલ, બે ટીન, એક કાર અને ટુ વ્હીલર સહિત કુલ ૧૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી આ કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસના જણાવ્યાં અનુસાર, નબીરાઓ દિપુ જય માતાજીની ઓફિસમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ ઓફીસમાં અગાઉ પણ ગુનાનો કેસ નોંધાયો છે. અગાઉ અહીંથી ખંડણી માંગવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે ગઇકાલે મોડી રાતે રેડ પાડી તમામની ધરપકડ કરી લીધી હતી. દારૂની મહેફિલ માણવાની ઘટનાઓ એક પછી એક જે પ્રકારે સામે આવી રહી છે, તે સમાજના યુવાધનની દિશા ભટકેલ માનસિકતા અને નશાના રવાડે ચઢી જીંદગી બરબાદ કરી રહ્યાની લાલબતી સૂચવે છે, જેને સભ્ય સમાજે પણ ગંભીરતાથી લેવી જોઇએ અને સમાજમાં આ મામલે જાગૃતિ ફેલાવી વ્યસનમુકિતના અભિયાનમાં સહયોગ આપવો જોઇએ તેવી ચર્ચા પણ ઉઠવા પામી છે. સરદારનગરમાં થોડા સમય પહેલાં જ પોલીસે દરોડા પાડી દારૂ અને દારૂ બનાવવાના મટીરીયલ્સનો નાશ કર્યો હતો અને તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતાં અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.

(9:57 pm IST)