Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

વડાપ્રધાનના આગમન પૂર્વે કેવડિયા છાવણીમાં ફેરવાયું

ડોગ-બોમ્બ સ્ક્વોડ, સુરક્ષા એજન્સીઓ તૈનાત :કેવડિયા તરફ દોરી જતા તમામ માર્ગો ઉપર સઘન સુરક્ષા

અમદાવાદ, તા.૧૬ : કેવડિયા ખાતે સરોવર નર્મદા ડેમની ૧૩૮.૬૮ મીટરની સર્વોચ્ચ સપાટી રવિવારે સાંજે પાર કરી હતી. નર્મદા ડેમના નવા દરવાજા નાખ્યા બાદ કરવામાં આવેલા લોકાર્પણને આવતીકાલે બે વર્ષ પૂર્ણ થાય છે અને આવતીકાલે તા.૧૭ સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે, ત્યારે ફરી એકવાર મોદી કેવડિયા સ્થિત નર્મદા ડેમ ખાતે આવશે અને ડેમ પર પહોંચીને નર્મદાનું પૂજન કરશે. નર્મદા નીરના વધામણાં કરી મોદી ફરી એકવાર તેમની નમામિ દેવી નર્મદેની ભાવના પ્રગટ કરશે. પ્રસિદ્ધ ભાગવત કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીની આગેવાનીમાં નર્મદા કાંઠાના ૧૦૦ જેટલા વિદ્વાન ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર કરશે અને તે જ વખતે પ્રધાનમંત્રી નર્મદા નીરના વધામણાં કરશે.

આ પ્રસંગે તેઓ નારિયેળ અને ચૂંદડી નર્મદા નદીમાં અર્પણ કરશે. તે માટે ખાસ પ્લેટફોર્મ પણ હાલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તો, પીએમ મોદીના આગમન અને તેમના કાર્યક્રમને લઇને હાલ એસપીજીની આગેવાનીમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ખાસ કરીને ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા રાઉન્ડ ધી કલોક સઘન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે.  વડાપ્રધાન મોદી વ્યૂ પોઇન્ટ-૧ પર જાહેરસભાને સંબોધશે. જેના માટે ૪૫૦ બાય ૧૫૦ મીટરનો વોટર પ્રુફ ડોમ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાના લોકો અંદાજીત ૧૦ હજારથી વધુ લોકો હાજરી આપશે. નર્મદા જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે, પીએમ મોદી વ્યૂ પોઇન્ટ-૧ પર જાહેર સભા સંબોધશે. પ્રવાસીઓ બપોર પછી આવે તો સારૂ પણ કોઈ પ્રતિબંધ નથી. સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ જોવા આવનાર પ્રવાસીઓને પ્રવેશ અપાશે. તેઓ જાહેર સભામાં પણ હાજર રહી કાર્યક્રમને નિહાળી શકશે. સમગ્ર તંત્ર દ્વારા આવતીકાલના વડાપ્રધાન મોદીના કાર્યક્રમોને લઇ જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે.

મોદીના કાર્યક્રમો નક્કી થયા

વિવિધ વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે

અમદાવાદ, તા. ૧૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૬૯ વર્ષના થવા જઇ રહ્યા છે. આ પ્રસંગે તેઓ નર્મદા નદી પર બનેલા ગુજરાતના સરદાર સરોવર બંધના સ્થળે જ્યાં જળ સપાટી પ્રથમ વખત સર્વોચ્ચ સ્તર પર પહોંચી ચુકી છે. બંધની જળ સપાટી ૨૦૧૭માં પ્રથમ વખત વધારવામાં આવી હતી. ત્યારબાદથી જળસપાટી ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચી ચુકી છે. આજે મોડી સાંજે અમદાવાદમાં આવી પહોંચ્યા બાદ મોદીના કાર્યક્રમોની શરૂઆત થઇ રહી છે. મોદીના કાર્યક્રમો નીચે મુજબ છે.

*     સોમવારે મોડી સાંજે અમદાવાદ વિમાની મથકે પહોંચ્યા

*     મંગળવારે સવારે સૌથી પહેલા જન્મદિવસના પ્રસંગે મોદી રેસાન ગામમાં પોતાની માતા હિરાબાના આશીર્વાદ લઇને દિવસની શરૂઆત કરશે

*     હિરાબાના આશીર્વાદ લીધા બાદ જુદા જુદા કાર્યક્રમોની શરૂઆત થશે

*     રેસાનથી સીધા કેવડિયા બંધ સ્થળે જવા માટે રવાના થશે

*     કેવડિયા બંધ સ્થળે નર્મદા નીરના વધામણા શ્રીફળ, ચુંડદી અર્પણ કરી મહાઆરતી કરશે

*     મંત્રી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો વચ્ચે એક સભાને કેવડિયા બંધ સ્થળે સંબોધન કરશે

*     વિશાળ પંડાલમાં જઇને સ્થિતિની સમીક્ષા કરશે

*     સંબોધન બાદ બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે ચાલી રહેલી વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે

*     બપોરે ૧૨ વાગ્યાની આસપાસ રવાના થતાં પહેલા કેવડિયા નજીકના ગરુડેશ્વર ગામમાં ભગવાન દત્તાત્રેયના મંદિરમાં જશે

*     નમામિ દેવી નર્મદે ઉત્સવમાં નેતૃત્વ કરવા માટે તૈયાર

*     મુખ્ય કાર્યક્રમ કેવડિયામાં પહોંચીને મોદી તમામ કાર્યકરો અને નેતાઓના ઉત્સાહને વધારશે

(8:49 pm IST)