Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ફિટનેસ સર્ટિ વિનાની આઇશર ટ્રકને પાંચ હજારનો દંડ કરાયો

ગુજરાતમાં આકરા દંડનો કિસ્સો સુરતમાં બન્યો : આઈશર ટ્રકના ચાલકને ફટકારવામાં આવેલા કડક દંડની રસીદ સોશિયલ મિડિયામાં વાઈરલ કરાતાં ચર્ચાનો દોર

અમદાવાદ,તા. ૧૬ : કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોનું આજથી રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરાવવામાં આવી રહ્યું છે. વાહનચાલકોને આ નવા કાયદા પ્રમાણે મસમોટા દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ટ્રાફિકના નવા નિયમોની અમલવારીના પ્રથમ દિવસે જ સુરત શહેરના ટેક્સટાઈલ માર્કેટમાંથી ફિટનેસ સર્ટી વગર નીકળેલી આઇશર-ટ્રકને રૂ.પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રાજયમાં પહેલા જ દિવસે નોંધાયેલા આ આકરા દંડના કિસ્સાને લઇ રાજયભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જેમાં આઇશર ટ્રકના ચાલકને ફટકારવામાં આવેલા દંડની રસીદ સોશ્યલ મીડિયામાં પણ બહુ વાયરલ થઇ હતી. રિંગરોડ પર આવેલી આરકેટી માર્કેટમાંથી કાપડનો જથ્થો ભરીને આઈશર ટ્રક (જીજે-૦૫-યુયુ-૭૮૮૬)ના ચાલક ગોવિંદભાઈ સુરેશભાઈ પટેલ ગ્લોબલમાં માર્કેટમાં ડિલિવરી માટે જઈ રહ્યાં હતાં. આ દરમિયાન બ્રીજ ઉતરતાં સહારા દરવાજા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યાં હતાં. ગોવિંદભાઈ પાસે લાયસન્સથી લઈને અન્ય ડોક્યુમેન્ટ યોગ્ય હતાં પરંતુ આઈશર ટ્રકનું ફિટનેસ સર્ટી ન હોવાના કારણે પોલીસ દ્વારા તેમને રૂ.પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડની રકમ ગોવિંદભાઈએ સ્થળ પર જ ભરી દીધી હતી. ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, આ નવા નિયમોમાં વધારે રૂપિયા આપવા પડે છે.

                  જેના કારણે ખીસ્સામાં રૂપિયા ન હોય તેવા સંજોગોમાં મુશ્કેલી પડી શકે છે. પહેલા જ દિવસે દંડની રકમ ભરવી પડી હોવાથી હવે જરૂરી સર્ટી કઢાવીને પોતાની સાથે જ રાખશે. નવા મોટર વાહન વ્હિકલ એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે. જેથી વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દીધુ છે. સુરતમાં અગાઉ માત્ર ૧૦ ટકા જ લોકો હેલ્મેટ પહેરતા હતા. પરંતુ આજે ૬૦ ટકાથી વધુ લોકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દીધુ છે. આ સાથે જ ફોર વ્હીલચાલકોએ પણ સીટ બેલ્ટ પહેરવાનું શરૂ કરી દીધુ છે. એટલે કે લોકોમાં હવે ટ્રાફિકનાં નિયમોને લઈને અવેરનેસ આવી રહી છે. ગુજરાત નવચેતના પાર્ટી દ્વારા નવા વ્હીકલ એક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. પાર્ટીના કાર્યકરો દ્વારા સાયકલ પર નીકળીને બેનર સાથે નારાબાજી કરવામાં આવી હતી. ક્લેક્ટરને આવેદનપત્ર આપીને દંડની રકમ તથા અમલિકરણ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સુરતમાં દંડનું ખાતુ ખુલી ગયું હોવાના નામે રસીદ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. સાથે જ અન્ય મેસેજો સાથે પણ ટ્રાફિકના નવા નિયમો અને દંડની વધુ જોગવાઈના સમર્થન અને વિરોધમાં લોકો પોતાની કોમેન્ટ કરી રહ્યાં છે. જો કે, નવા નિયમોને લઇ લોકોમાં ભારોભાર આક્રોશ પણ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે.

(8:42 pm IST)