Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

કાલે નરેન્‍દ્રભાઇ મોદીની અધ્યક્ષાતામાં યોજાનાર નમામી દેવી નર્મદે મહા ઉત્સવની તડામાર તૈયારી

અમદાવાદ :નર્મદા ડેમની ઊંચાઈ વધાર્યા બાદ અને મેઘમહેરથી સરદાર સરોવર ડેમ તેની મહત્તમ ઉંચાઈ પર આંબી ગયો છે. તેથી રાજ્ય સરકાર નમામિ દેવી નર્મદે મહાઉત્સવની ઉજવણી કરશે. આવતીકાલે પીએમ મોદીનો જન્મદિવસ છે. જેને લઈને કેવડિયા કોલીની ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નમામિ દેવી નર્મદે મહાઉત્સવની ઉજવણી કરવામાં આવશે. રાજ્યસરકાર સમગ્ર કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરી રહી છે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 16 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર રાત્રે 11 વાગ્યે પહોંચશે. સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળ દ્વારા તેમનું સ્વાગત કરાશે.

આવતીકાલે ડેમ પાસે સભાને સંબોધશે

વહેલી સવારે માતા હીરાબાના આર્શીવાદ લીધા બાદ સવારે 8 વાગ્યે પીએમ મોદી કેવડિયા પહોંચશે. જ્યાં તેઓ સરદાર સરોવર ડેમ જઈને નર્મદા મૈયાના વધામણાં કરશે. પીએમ મોદીના કાર્યક્રમને લઈને કેવડીયામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદી એક જાહેર સભાને સંબોધન કરવાના છે. ત્યારે નર્મદા ડેમની સામે જ સભાનું આયોજન કરાયું છે. પીએમના આગમન પહેલા સમગ્ર ડેમ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે.

વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમ

આવતીકાલે યોજાનાર "નમામિ દેવિ નર્મદે મહોત્સવ" કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, બોર્ડ નિગમોના અધ્યક્ષો અને જાણીતા કલાકારો ઉપસ્થિત રહેશે. ગુજરાતાના લોકગાયકો પણ આ કાર્યક્રમમાં મહેમાન બનશે. રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ અને પદાધિકારીઓને મહોત્સવ અંતર્ગત જુદા જુદા જિલ્લામાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. અલગ અલગ જિલ્લાના કાર્યક્રમોમાં ગુજરાતના જાણીતા લોકગાયકો પણ હાજરી આપશે.

સુરતમાં પીએમના જીવન પર એક્ઝિબિશન

17 સપ્ટેમ્બર મંગળવારે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ છે ત્યારે સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક એક્ઝિબિશન શરૂ કરાયુ છે. જેમાં પ્રધાનમંત્રીના આજ સુધીના જીવનકાળને તસવીરોમાં આવરી લેવાઈ છે. સાયન્સ સેન્ટર ખાતે એક્ઝિબિશન શરૂ થતાં મોટીસંખ્યામાં લોકોએ એક્ઝિબિશન પર પહોંચી પ્રધાનમંત્રીના જીવનની અવનવી વાતો જાણી હતી.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે સારા વરસાદના કારણે નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. જેને લઈને રાજ્યને અનેક ફાયદા થઈ શકે તેમ છે. નર્મદા ડેમથી ફાયદાની વાત કરીએ તો રાજ્યના 8,215 ગામ અને 135 શહેરી વિસ્તારોને પીવા માટે પાણી પૂરું પાડી શકાશે. હવે ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા બાદ હવે ગુજરાતમાં ખેતી તેમજ પીવાના પાણી માટે 6 વર્ષ સુધી કોઈ મુશ્કેલી વેઠવી નહીં પડે. ડેમ સંપૂર્ણ ભરાતા જળવિદ્યુત મથકો પૂરી ક્ષમતા સાથે વીજ ઉત્પાદન કરે તો દૈનિક 1450 મેગાવોટ વીજળી ઉત્પાદિત થઈ શકશે. જેનાથી જળવિદ્યુત મથકની વીજ ક્ષમતા 30% જેટલી વધી જશે. અને કુલ 6000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકાશે. ઉત્પન્ન થતી વીજળીના ગુજરાતને 16% મધ્યપ્રદેશને 57% અને મહારાષ્ટ્રને 29 % મળશે. ગુજરાતને ત્રણેય રાજ્ય પૈકી સૌથી ઓછી વીજળી મળવા છતાં પણ રાજ્યમા અંધારપટની સ્થિતિ નહિ રહે.

(5:44 pm IST)