Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સુરતના કાપડના વેપારીઓના પાકિસ્તાનમાં કરોડો સલવાયા

ર૦૦ કરોડ ફસાયા ઉપરાંત ૧પ૦ કરોડનો માલ ગોડાઉનમાં પડયો છેઃ સુરતથી ૧૦૦૦ કરોડના કાપડની નિકાસ થાય છેઃ ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝને માઠી અસર

સુરત તા. ૧૬: ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીભર્યા સંબંધોના કારણે સુરતના કાપડના નિકાસકારોના ર૦૦ કરોડ રૂપિયા પાકિસ્તાનમાં ફસાઇ ગયા છે. સુરતના મિલ માલિકો અને વેપારીઓએ પાકિસ્તાનના વેપારીઓને જે કપડા નિકાસ કર્યા હતા તેની રકમ તેમને નથી મળી રહી. એટલું જ નહિં, અહીંના મિલ માલિકોનો ૧પ૦ કરોડનો માલ પણ ગોદામોમાં જ પડયો છે, જે પાકિસ્તાની વેપારીઓના ઓર્ડર પર તૈયાર કરવામાં આવ્યો હતો. આ કપડાં પાકિસ્તાનની ફેશન મુજબ તૈયાર કરેલા હોવાથી તેને બીજે વેચવા પણ અઘરા છે.

પાકિસ્તાનમાં પોલયેસ્ટરમાંથી બનેલા ચમકતા અને ભડકતા કપડા વધારે પસંદ થતા હોય છે. ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગની બહુમતી હોવાથી સસ્તા કપડાની માંગ વધારે રહે છે. તેમની આ જરૂરિયાતો સુરતથી પુરી થઇ રહી છે. દુનિયામાં મોટા પ્રમાણમાં જે પાકિસ્તાની સલવાર સુટ વેચાય છે તેનું કાપડ પણ સુરતથી જ જાય છે. પણ બન્ને દેશો વચ્ચે તણાવનાં કારણે સુરત અને બીજા માર્ગોથી થતી નિકાસ સાવ ઠપ થઇ ગઇ છે.

સુરતથી વાર્ષિક લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાના કાપડની નિકાસ થાય છે. નિકાસકારોની બાકી રકમનું ચુકવણું લગભગ ૩-૪ મહિનામાં સામાન્ય રીતે થઇ જતું હોય છે. ઉપરાંત પાકિસ્તાનમાં ૯પ ટકા મહિલાઓ સલવાર સુટ પહેરતી હોય છે. એટલે ત્યાં દુપટ્ટાની પણ ભારે માંગ રહેતી હોય છે જેનો સપ્લાય પણ સુરતથી થાય છે.

(4:12 pm IST)