Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટ્ય ધામ ખેડામાં ગ્રંથરાજ વચનામૃત દ્વિશતાબ્દી તથા શ્રીજી સ્વયં મૂર્તિ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવના ઉપક્રમે પોથીયાત્રા- શોભાયાત્રા

ગરવી ગુજરાતમાં પુણ્ય સલિલા વાત્રક અને શેઢી નદીના સંગમ પર વસેલું પ્રાચીન નગર એટલે કે ખેડા. આ નગરે ભારત વર્ષના ઈતિહાસમાં ગૌરવપૂર્ણ ભાગ ભજવ્યો છે. મહાભારતમાં પણ એક સમૃદ્ધ નગર તરીકે અઆને ઉલ્લેખ થયેલો છે. મહારાજા મયુરધ્વજ અહીં જ રહેતા મહારાજા શિલાદિત્યનો જન્મ પણ આ જ ગામમાં થયેલો એવું કહેવાય છે. આ ઉપરથી કહી શકાય કે આ ઘણું જ પુરાણું શહેર છે. પહેલા આ નગરનું નામ ચક્રવર્તી ત્યારબાદ ખેટકપુર, રાષ્ટ્રકૂટ નગર અને છેલ્લે ખેડા નામ પડ્યું.

ખેડા નગરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયં મૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના  પાદારવિંદથી પાવન બનેલી છે. આ ભૂમિમાં  સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશીય ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવાર  જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રગટ થયા. એજ  પ્રાગટ્ય સ્થાને  તેઓશ્રીના ઉત્તરાધિકારી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રીપુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય અને ભવ્ય સંગેમરમરનું શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવ્યું છે.

ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી અનેક ભેટોમાં ધર્મગ્રંથો નામ અગ્રેસર છે. જીવનના ગહનમાં ગહન  પ્રશ્નોની અદભુત છણાવટો કરતા ભારતીય ધર્મગ્રંથો જેવા અધ્યાત્મ સમૃદ્ધિ વિચાર-મંથન થી ભરપૂર ધર્મશાસ્ત્રો વિશ્વની અન્ય કોઈપણ સંસ્કૃતિ એ ક્યારેય આપ્યા નથી. હિન્દુ પરંપરાના ગ્રંથો શાસ્ત્રો પ્રમાણભૂત છે કારણ કે તેમના દ્રષ્ટા રચયિતા કે કર્તા રૂપે સ્વયં ભગવાન કે સંતો મહર્ષિઓ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્ય પ્રકરણના ૩૦મા વચનામૃતમાં કહે છે શ્રીમદ ભાગવત આદિક જે શાસ્ત્ર તે સત્ય છે અને શાસ્ત્રોમાં જે કહ્યું હોય તેવી જ રીતે થાય છે પણ બીજી રીતે થતું નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાને સમગ્ર શાસ્ત્રોનો સાર કાઢી સર્વને માટે સર્વત્ર, સર્વદા અને સર્વ પ્રકારે ઉપકારક એવો વચનામૃત ગ્રંથ આપી મહાન ઉપકાર કર્યો છે.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા શ્રી હરિજ્ઞાનામૃત કાવ્યમાં આ શિરમોડ ગ્રંથનો મહિમા ગાતા કહે છે કે,

જગતના સર્વે ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે;

  જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી ન્યારો છે...

આવા મહાન ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી મુખવાણી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા આવા મહાન ગ્રંથ પર રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરનાર શ્રીજી સ્વયં મૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રી શતામૃત મહોત્સવના ઉપક્રમે પ્રાગટ્ય ધામ ખેડામાં ગ્રંથરાજ વચનામૃતની પોથી યાત્રા -  શોભ યાત્રાનું દબદબાભેર આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો અને વિશાળ હરિભક્તો સહ ગ્રંથરાજ વચનામૃતની પોથીયાત્રા - શોભાયાત્રાનો ખેડામાં શહીદ ભગતસિંહ ચોકથી શુભારંભ કરવામાં આવ્યો હતો. લાંબી શેરી, ગાંધી ચોક, માળી વાળાના ખાંચે થઈને શ્રી સ્વામિનારાયણ મંદિર ખેડામાં પૂર્ણ થઈ હતી. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સન્મુખ ૨૦૦ કરતા વધારે વચનામૃત ગ્રંથોનું આચાર્ય સ્વામીજી મહારાજે કંકુ,અક્ષત અને પુષ્પો વડે પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી. ત્યારબાદ સભા સ્થાને શ્રી ઘનશ્યામ મહાપ્રભુને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. આ પાવન અવસરે ‌વિશ્વવાત્સલ્યમહોદધિ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદનું પાન કરાવ્યું હતું. આ અવસરનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

 

(2:31 pm IST)