Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

પીઓકે માટે નરેન્દ્રભાઈ- અમીતભાઈના નેતૃત્વમાં કાર્યવાહીઃ રૂપાણી

વડોદરાઃ પીઓકે ભારતનું છે અને હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી અમિતભાઈના સક્ષમ નેતૃત્વમાં પીઓકે માટે કાર્યવાહી થશે. પાકિસ્તાન આતંકવાદને પોસવાનું બંધ કરે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ બરોડા ખાતે નાગરીક સમિતિ દ્વારા આયોજીત ભારત એકતા રેલીને પ્રસ્થાન કરાવતી વખતે સંબોધન દરમિયાન જણાવેલ.

મુખ્યમંત્રીશ્રીએ જમ્મુ- કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫એની કલમો ખતમ કરી સક્ષમ નેતૃત્વ સાબીત કરનાર વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહને જનસમર્થન દેવાની પહેલ કરવા બદલ લોકોનો આભાર પણ વ્યકત કરેલ. તેમણે જણાવેલ કે સરદાર પટેલે દેશને સ્વરાજ આપ્યુ અને ગુજરાતના સપુત નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ ૩૭૦ હટાવીને કન્યાકુમારીથી કાશ્મીર સુધી અખંડ ભારતનું સરદાર પટેલનું સપનું સાકાર કર્યું છે. કાશ્મીર ભારતનો મુગટ છે.

પાકિસ્તાન ઉપર પ્રહાર કરતા શ્રી વિજયાભાઈ રૂપાણીએ જણાવેલ કે પાકિસ્તાન આતંકવાદને શરણ દેવાનું બંધ કરે. પાકિસ્તાની વડાપ્રધાન શેખી મારવાનું બંધ કરે અને આતંકવાદને પ્રોત્સાહન બંધ કરે. ઈમરાન ખાન ભુતકાળને યાદ કરે જયારે પાકિસ્તાનના ટુકડા થયા હતા. કરાંચી પાકિસ્તાનના હાથમાંથી જતુ બચ્યુ હતુ અને બાંગ્લાદેશ બન્યુ હતું. એક લાખ સૈનિકોને ભારતે બંદી બનાવેલ. આનાથી તેમણે પાઠ લેવો જોઈએ.

ઉપરાંત તેમણે જણાવેલ કે વડાપ્રધાન અને ગૃહમંત્રીના નેતૃત્વમાં હવે પીઓકેની કાર્યવાહી કરવા માટે તૈયાર છે. પીઓકે ભારતનું છે અને તેના માટે  તૈયાર રહેવાની જરૂર છે. કાર્યક્રમ અંતર્ગત ૩૭૦ની કલમની નાબુદી થતા ૩૭૦ ફુગ્ગાઓ પ્રતિક રૂપે મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા છોડવામાં આવેલ. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, નર્મદા વિકાસ મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ડો.જીગીશાબેન શેઠ અને વડોદરા નાગરીક સમિતિ અધ્યક્ષ સમરજીતસિંહ ગાયકવાડ ઉપસ્થિત રહેલ.

(1:16 pm IST)