Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

પાવાગઢના યાત્રીઓએ છ દિવસ પગથિયાં ચડવા પડશે : આજથી મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા રોપવે છ દિ' બંધ

યાત્રાળુઓને ફરજીયાત ડુંગરના પગથિયા ચઢી માતાજીના દર્શન કરવા જવું પડશે

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આજથી છ દિવસ યાત્રીઓએ પગથિયાં ચડવા પડશે પાવગઢના  ઉડન ખટોલા-રોપવે 16થી 21 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ઉડન ખટોલા ચલાવી રહેલી એજન્સીએ  જાહેરાત કરી છે કે આગામી 6 દિવસ સુધી મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા બંધ રાખવામાં આવશે.

યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓને મહાકાળી માતાજીના દર્શન સરળ રીતે કરી શકે તે માટે ખાનગી કંપની ઉડન ખટોલા (રોપ-વે) ચલાવે છે. આ રોપ-વે આજથી 6 દિવસ માટે બંધ એટલે કે તારીખ 16 સપ્ટેમ્બર થી 21 સપ્ટેમ્બર સુધી મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા સેવા બંધ રહેશે. જે 22 સપ્ટેમ્બરથી પુનઃ શરૂ કરી દેવામાં આવશે. આમ આજથી 6 દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને ફરજીયાત ડુંગરના પગથિયા ચઢી માતાજીના દર્શન કરવા જવું પડશે

 અત્રે ઉલ્લેખનીય છે કે ગત જૂન મહિનામાં યાત્રાધામ પાવાગઢ શક્તિપીઠ માતાજી મંદિરના ડેવલેપમેન્ટનું કામ ચાલી રહ્યું હતુ. ત્યારે કન્સ્ટ્રક્શન કામ માટે રેતી-કપચી, સ્ટીલ, પથ્થર સહિતનો માલસામાન ચઢાવવા માટે માચી સ્થિત વણઝારા વાસમાં માલવાહક રોપવે બનાવવામાં આવ્યું હતું.

  ચંદીગઢની કંપની દ્વારા બનાવવામાં આવેલા આ રોપવેની ક્ષમતા પાંચ ટનની છે, જ્યારે 10 ટનના વજનની એક રેતી ભરેલી ટ્રોલી અને 10 હજાર લીટર પાણી ભરેલા ટેન્કરને ચઢાવવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન રોપવેનું ફાઉન્ડેશન એકાએક ધરાશાયી થઇ ગયું હતું. જેના કારણે રોપવેનું ગીયરબોક્સ ફેઇલ થઇ જતાં રોપવે તૂટી પડ્યો હતો. રોપવેના દોર પર લટકતું પાણીનું ટેન્કર અને રેતી ભરેલી ટ્રોલી ઉંડી ખીણમાં ખાબકી હતી. જ્યારે બે લોકોને ઇજા પણ પહોંચી હતી

(12:34 pm IST)