Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સક્રિય રહેવુ નથી એ રાજીનામુ આપેઃ ગોહિલ

પટણામાં બિહાર પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં રાજ્ય પ્રભારી શકિતસિંહજીનો ધ્રુજારોઃ સંગઠનને મજબૂત બનાવાશેઃ ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ કોંગ્રેસ ધામધૂમથી ઉજવશે

પટણા, તા. ૧૬ :. બિહાર કોંગ્રેસના પુનઃનિયુકિત પામેલા શકિતસિંહજી ગોહિલે તાજેતરમાં પટણા કોંગ્રેસની મળેલી બેઠકના ભવિષ્યના એંધાણ આપી દીધા છે. સંગઠનને મજબૂત બનાવવા માટેના સંકેતો આપતા શકિતસિંહ ગોહિલે ટોચના આગેવાનોને સાફ સાફ શબ્દોમાં કહી દીધું હતુ કે જેઓ સતત મીટીંગોમાં ગેરહાજર રહે છે અને જેમને સક્રિયતા દાખવી નહી એ સ્વચ્છાએ રાજીનામા આપી દયે અમે ફટાફટ સ્વીકારી લેશું, પરંતુ હવે નિષ્ક્રીયતા કોઈ કાળે ચલાવી નહી લેવાય. તેમણે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવવાનુ પણ જણાવ્યુ હતું.

પટણા પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ શ્યામસિંહ ધીરજ પણ ગેરહાજર હતા ત્યારે પ્રદેશ પ્રમુખ ડો. મદન મોહન ઝાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્ય પ્રભારી ગોહિલે રાષ્ટ્રીય અધ્યક્ષની કડક સૂચનાને ધ્યાને લઈને એવી પણ સ્પષ્ટ વાત કરી હતી કે હવે અગાઉના શકિતસિંહ ગોહિલ તમારી વચ્ચે નહી હોય હવે ગેરશિસ્ત, નિષ્ક્રીયતા કોઈ કાળે ચલાવી લેવાશે નહિ.

પ્રદેશ કાર્યાલય ખાતે મળેલ બેઠકમાં સદાનંદસિંહ તથા કૌકબ કાદરી પણ ઉપસ્થિત હતા.

રાજ્ય પ્રભારી શ્રી ગોહિલના જણાવ્યા મુજબ જેમણે કામ કરવુ નથી અને એકઝુટ થઈને રહેવુ નથી તેઓ જેમને કામ કરવુ છે તેમના માટે જગ્યા ખાલી કરે. હવે પક્ષની શિસ્ત વિરૂદ્ધની કોઈ વાત ચલાવી નહી લેવાય.

બેઠકમાં સભ્ય નોંધણી અભિયાન તથા સંગઠનની મજબૂતી, ઉપરાંત મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની બિહારમાં ધામધૂમથી ઉજવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સહપ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે કોંગ્રેસી આગેવાન કાર્યકરોએ પદયાત્રા સાથે જનતાની વચ્ચે જઈને ગાંધીજીના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવો પડશે. બિહાર કોંગી વિધાનસભાના નેતા સદાનંદસિંહે ગાંધી જયંતિથી જ સભ્ય નોંધણી અભિયાનનો પ્રારંભ કરવાનું સુચન કર્યુ હતું.

(11:51 am IST)