Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

જીવદયાના પ્રણેતા - જૂના ગાંધીવાદી - પત્રકાર - સામાજીક અગ્રણી

ખનકભાઈ પારેખનું દુઃખદ અવસાન

અમદાવાદ : શ્રી ખનકલાલ વ્રજલાલ પારેખ (મુળ રાજકોટ નિવાસી, હાલ અમદાવાદ, શિશાંગ પારેખ પરિવાર, ઉ.વ.૯૦, તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ને શુક્રવારના રોજ અમદાવાદ ખાતે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ સ્વ.મનહરલાલ વ્રજલાલ પારેખ અને સ્વ.શાંતિલાલ વ્રજલાલ પારેખના નાનાભાઈ તેમજ શેણી ટ્રસ્ટના સ્થાપક હતા. 'ડીએનએ'ના પૂર્વ તંત્રી અને ગુજરાતના જાણીતા પત્રકાર શ્રી શ્યામભાઈ પારેખના (મો.૯૮૨૫૦ ૮૭૭૬૭) તેઓ પિતાશ્રી થતા હતા. 

રાજકોટમાં દાયકાઓ સુધી ખનકભાઈએ અખબાર ચલાવ્યુ હતું. અગ્રણી જીવદયાપ્રેમી અને જૂના ગાંધીવાદી સામાજીક કાર્યકર, પત્રકાર શ્રી ખનકલાલ વ્રજલાલ પારેખ જે હાલમાં અમદાવાદ રહેતા હતા. તેઓ શુક્રવાર ૧૩ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે ૯૦ વર્ષની ઉંમરે અવસાન પામ્યા છે.

શ્રી ખનકભાઈ દાયકાઓથી રાજકોટની અનેક સમાજોપયોગી પ્રવૃતિઓ સાથે જોડાયેલા હતા. ભારત સેવક સમાજ, પંચાયતી રાજ ટ્રેનીંગ, હરીજન સેવક સમાજ, અખિલ ભારતીય ગ્રામ સહયોગ સમાજ, ફેમીલી પ્લાનીંગ એસોસીએશન, સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ વગેરે સંસ્થાઓ તથા તેમની પ્રવૃતિઓના રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વિકાસ માટે તેમનો ફાળો મહત્વનો રહ્યો હતો. સૌરાષ્ટ્ર રાજયની રચનાથી લઈ ગુજરાતની રચના જેવી અનેક ઘટનાઓના તેઓ સાક્ષી હતા. તેઓ પરીવાર નિયોજન સહિત બે અખબારોનું દાયકાઓ સુધી સંચાલન કર્યુ હતું.

પરગજુ સ્વભાવના અને અનેક અજાણ્યા લોકોને પણ ઉપયોગી થવા માટે તત્પર ખનકભાઈએ, કુટુંબના વારસા અનુસાર ચાલીને તેમણે સ્વર્ગીય પુત્રીની યાદમાં શેણી મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને તેના નેજા હેઠળ ઘંટેશ્વર પાસે પક્ષી અને પશુ સારવાર કેન્દ્રની પણ શરૂઆત કરી હતી.

શ્રી ખનકભાઈના ધર્મપત્નિ શ્રીમતી ચંદ્રિકાબેન પારેખ, દાયકાઓ સુધી શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં ભણાવતા અને હાલમાં તેમના પુત્ર શ્રી શ્યામ પારેખ સાથે અમદાવાદ ખાતે રહે છે.

સ્વ.ખનકભાઈના પરિવારજનો ચંદ્રિકાબેન, શ્યામભાઈ, લીનાબેન, શ્યામોલી, વિનોદભાઈ, હર્ષિદાબેનને અકિલા પરિવારે દિલસોજી પાઠવી હતી.

જય સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગ પ્રેસમાં (અકિલાની પિતૃ સંસ્થા) શ્રી ખનકભાઈ પારેખના અખબારો વર્ષો સુધી છપાયેલા.  સ્વ.બાબુભાઈ (ગુણવંતભાઈ) ગણાત્રા પરીવાર સાથે વર્ષો સુધી પારિવારિક સંબંધો રહ્યા હતા. શ્રી કિરીટભાઈ, શ્રી અજીતભાઈ, શ્રી રાજુભાઈ, શ્રી નિમિષભાઈ અને અકિલા પરિવારે ૨ મિનિટ મૌન પાળી સદ્દગતને શ્રદ્ધાંજલી આપી હતી.

(11:49 am IST)