Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

એસસી/એસટી એકટના દૂરૂપયોગ સામે કોર્ટની લાલ આંખઃ દલિતો પાસેથી વળતરની રકમ પરત લેવા સરકારને આદેશ

બનાસકાંઠાના વિશેષ જજે ૩ અલગ અલગ કેસમાં એકટનો ઉપયોગ કરી ખોટો કેસ નોંધાવાયાનું સ્વીકાર્યુ

અમદાવાદ, તા. ૧૬ :. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ખાસ જજે સરકારને દલિતોને આપવામા આવેલ વળતર પરત લઈ લેવાના આદેશો આપ્યા છે. ત્રણ અલગ અલગ મામલાઓમાં વિશેષ જજ ચિરાગ મુન્શીએ જાણ્યુ હતુ કે એસસી/એસટીનો ઉપયોગ કરી ખોટો કેસ નોંધવામાં આવ્યા હતા. ડીસાની જિલ્લા અદાલતમાં જજે ૩ કેસમાં ફેંસલો સંભળાવ્યો હતો. જેમાં બે એવા મામલા હતા જેમાં મહિલાઓએ ઉંચી જ્ઞાતિના લોકો પર અત્યાચારનો આરોપ એસસી/એસટી એકટ હેઠળ લગાવ્યો હતો.

વિશેષ જજે આદેશ આપ્યો હતો તે તેઓની પાસેથી વળતરની રકમ રીકવર કરવામાં આવે. તેમણે કહ્યુ હતુ કે સરકાર પાસેથી વળતર લેવા માટે એસસી/એસટી એકટના ખોટા ઉપયોગને નજરઅંદાજ કરી ન શકાય. આ આદેશ બાદ સરકાર મુંઝવણમાં મુકાઈ છે, કારણ કે વિતરીત થયા બાદ રીકવર કરવાની કોઈ જોગવાઈ નથી. જો કે સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી છે.

ખાસ જજે ૩ કેસમાં આ ફેંસલો સંભળાવ્યો છે જે ૨૦૧૪, ૨૦૧૬, ૨૦૧૭ના છે. બે મામલામાં ફરીયાદી મહિલા છે અને ત્રીજામાં એક યુવકે આરોપ લગાવ્યો છે કે એક ઉચ્ચ જ્ઞાતિની વ્યકિતએ માર્ગ અકસ્માતમાં તેની પત્નિને ઈજા પહોંચાડી હતી અને ગાળો આપી હતી. બે કેસમા કોર્ટે ફરીયાદને ખોટી ગણાવી આરોપીને છોડી મુકયા હતા. ત્રીજામાં કોર્ટે આરોપીને આ એકટમાંથી છોડી મુકયો હતો જો કે તેને રફ ડ્રાઈવીંગનો આરોપી બનાવવામાં આવ્યો છે. જો કે વળતરની રકમ વસુલવા આદેશ આપ્યો છે.

એસસી/એસટી એકટની જોગવાઈઓ હેઠળ રાજ્ય સરકાર પીડીત દલિતને વળતર આપે છે. મર્ડરના કેસમાં વળતરની રકમ ૮.૨૫ લાખ, રેપ અને ગેંગરેપમાં ૫ લાખ, વિનય ભંગમાં ૨ લાખ, કોઈના ધાર્મિક સંકુલમાં પ્રવેશમા અટકાવાઈ તો ૧ લાખ અને વાંધાજનક ટીપ્પણી પર એક લાખની જોગવાઈ છે. ૨૫ ટકા રકમ એફઆઈઆર સમયે અને ૫૦ ટકા ચાર્જશીટ દાખલ થયે અપાઈ છે. બાકીની રકમ ૨૫ ટકા આરોપ સાબિત થયા બાદ અપાઈ છે. ઓકટોબર ૨૦૧૮થી મે ૨૦૧૯ વચ્ચે કુલ ૧૬.૮૮ કરોડનુ વળતર ફરીયાદીને અપાયુ છે.

(10:00 am IST)