Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સુરતમાં ચોરીની આશંકાએ યુવાનને તાલિબાની સજા : નગ્ન કરી બેફામ માર મારવાનો વીડિયો થયો વાયરલ

ધર્મેશની ફરિયાદના આધારે આરોપી ગોટ્ટીયા અને અરબા નામના શખ્શો વિરૂદ્ધ ગુનો

સુરતમાં મોબાઇલ અને રૂપિયાની ચોરીની આશંકાએ એક યુવાનને તાલિબાની સજા આપવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સુરતમાં યુવકને માર મારતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવાનને નગ્ન કરી ક્રુરતાપૂર્વક માર મારવામાં આવી રહ્યો હોવાનું જણાય છે. મારનો ભોગ બનેલો યુવાન મદદ માટે આજીજી કરી રહ્યો છે. તેમ છતાં તેની મદદે કોઇ આવતું નથી.

આ વીડિયો સુરતના ભટારના અલથાણ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનારનું નામ ધર્મેશ હોવાનું અને સમગ્ર ઘટના 2 દિવસ પહેલાની હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલી ખટોદરા પોલીસે આ મામલે 2 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે ધર્મેશની ફરિયાદના આધારે આરોપી ગોટ્ટીયા અને અરબા નામના શખ્શો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે.

(11:45 pm IST)