Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સાધુનું કુળ પણ હવે જોવાની જરૂર : મોરારિ બાપુનો મત

માનસ ક્ષમા રામકથામાં મોરારિબાપુની ટકોર : કોઇએ બંધ બેસતી પાઘડી નહી પહેરવાની બાપુએ માર્મિક ટકોર કરી : મોરારિ બાપુએ સાચા સાધુના લક્ષણો દર્શાવ્યા

અમદાવાદ, તા.૧૫ : જામનગરમાં રામકથા સમિતિ દ્વારા આયોજીત માનસ ક્ષમા રામકથાના આઠમા દિવસે મોરારિબાપુએ જીભ શરીરનું અંગ અને જીવ અંશ છે માટે કોઇએ બંધ બેસતી પાઘડી ન પહેરવાની માર્મિક ટકોર કરી નદીનું મૂળ અને સાધુનું કૂળ જોવુ નહીં પરંતુ હવે તે બંને જોવાની જરૂર છે તેમ જણાવ્યું હતું. તેમણે માનવીએ ક્યાં અપરાધ ન કરવા તેની સમજણ આપી સાધુના લક્ષણો વર્ણવ્યા હતાં. જામનગરની ભાગોળે ચાલી રહેલી માનસ ક્ષમા રામકથામાં ગઇકાલે મોરારિબાપુએ કથાના પ્રારંભમાં જણાવ્યું હતું કે, વ્યાસપીઠ પરથી જે થઇ રહ્યું છે તે પ્રસાદક છે પ્રહારક નથી. ભગવાન જીસસને વધસ્તંભ પર ચડાવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, પ્રભુ તેને માફ કરજે કારણ કે, તેને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે, ત્યારે મારે ૨૧૦૦ વર્ષ પછી થોડા ફેરફાર સાથે કહેવું છે હે મારા હરિ તે બધાને માફ કરજે કારણ કે તે બધાને ખબર છે કે તે શું કરી રહ્યા છે.

               મારી જીભ નથી બોલતી મારો જીવ બોલે છે. જીભને બે તાળાં છે તેમ અમુક વસ્તુને બે તાળા મારવાની જરૂર છે. જીભ શરીરનું અંગ છે માટે પ્રહારક બની શકે પરંતુ જીવ અંશ છે માટે પ્રસાદક છે, માટે બંધ બેસતી પાઘડી કોઇ ન બાંધે તેમ જણાવી દામન પે દાગ આયે ન આયે મેરા નસીબ કીચડ ઉછાલ કે તેરી હસરત નીકલ ગઇનો શેર કહી માર્મિક ટકોર કરી હતી. તેઓએ આપણામાં બહુ નબળાઇ છે પરંતુ તે દેખાતી નથી તેમ જણાવી કોઇ પણ ધર્મ હોય કોઇ દિવસ કોઇની સાધનાનો, સાધન, મંત્ર, સૂત્ર, શસ્ત્ર, શાસ્ત્રનો અપરાધ કરવાનું જણાવી નિરાપરાધીને અપરાધી ઘોષિત ન કરવા પર કળયુગમાં મોરારી બાપુએ કહી ભગવાન કૃષ્ણના નાગદમનના પ્રસંગને વર્ણવ્યો હતો. સાધુની વ્યાખ્યા કરતા મોરારીબાપુએ કહ્યું કે, તક સાધતા તક સાધુ હોય, બક સાધુ હોય, ચક સાધુ હોય, બક-બક સાધુ, રકઝક સાધુનો સંવાદ કરતા હતા તે વાત કહી ક્ષમા પદાર્થને કેન્દ્રમાં રાખી શ્રધ્ધા, મૈત્રી, દયા, વિવેક અને ક્ષમા સાચા સાધુના લક્ષણ હોવાનું જણાવ્યું હતું.

(9:38 pm IST)