Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

નર્મદા બંધ સંપૂર્ણ ભરવાની ઘટનાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાક્ષી બનશે

નમામિ દેવી નર્મદે મહોત્સવને લઇને ઉત્સાહ : ૧૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાનનો જન્મદિવસ : ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ ક્ષમતા સુધીમાં બંધ પહોંચશે ત્યારે ઇતિહાસ

અમદાવાદ,તા.૧૫ : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ ટૂંક સમયમાં જ સંપૂર્ણપણે ભરાઈ જવાની તૈયારીમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી સપ્ટેમ્બરના દિવસે પોતે આ ઘટનાના સાક્ષી બનનાર છે. મોદીનો જન્મદિવસ પણ ૧૭મી સપ્ટેમ્બરે આવનાર છે. ગુજરાતના મુમુખ્યમંત્રી વિજય રૂપાણીનું કહેવું છે કે, બંધની સપાટી હવે ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ ક્ષમતા સુધી પહોંચશે. વર્ષોના સંઘર્ષ બાદ નર્મદા નદી પર બંધ બનાવવાના દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું પૂર્ણ થઇ ગયું છે. બંધની આધારશીલા પાંચમી એપ્રિલ ૧૯૬૧ના દિવસે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ મુકી હતી પરંતુ નિર્માણ ૫૬ વર્ષ બાદ સપ્ટેમ્બર ૨૦૧૭માં પૂર્ણ થયું હતું. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારી રાજીવ ગુપ્તાનું કહેવું છે કે જે દિવસે બંધ સંપૂર્ણપણે ભરાશે તે દિવસ ગુજરાતના લોકો માટે ગર્વનો રહેશે. મોદીના આગમનને લઇને તૈયારીઓ કરી લેવામાં આવી છે.

         સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતાએ ૧૩૮.૬૭ મીટર સુધી ભરાતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન તા.૧૭/૦૯/૨૦૧૯ના રોજ નર્મદા નીરનાં વધામણા માટે રાજ્યના જિલ્લાઓમાં સવારે ૧૦.૦૦ કલાકે *નમામિ દેવિ નર્મદે મહોત્સવ* રાજ્ય સરકારના મંત્રીઓ અને બોર્ડ નિગમોના અધ્યક્ષઓની ઉપસ્થિતિમાં જન સહયોગથી જિલ્લા કક્ષાએ ઉજવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ કેવડીયા ખાતે પ્રધાનમંત્રીના હસ્તે થનારા નર્મદા જળ વધામણાના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે.  ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮.૬૮ મીટર ભરાવાના ઐતિહાસિક અવસરે તા.૧૭ સપ્ટેમ્બર મંગળવારે રાજ્યવ્યાપી નમામિ દેવી નર્મદે મહોત્સવ લોક ઉમંગ ઉત્સવ તરીકે ઉજવાશે. રાજ્યના જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જનઉત્સવમાં લોક કલાકારો, પ્રખ્યાત ગાયકો,  ગુજરાતી ફિલ્મ  કલાકારો, લોક સાહિત્યના અગ્રણી કલાકારો પણ સહભાગી થઈને નર્મદા મૈયાના જળ વધામણા કરતા ગીતોને સંગીત મઢી પ્રસ્તુતિ કરશે.

જે કલાકારો આ ઉમંગ ઉત્સવમાં જોડાવાના છે તેમાં મુખ્યત્વે પદ્મશ્રી ભીખુદાન ગઢવી, અમુદાન ગઢવી અને જીતુભાઈ દ્વારકાવાળા જૂનાગઢમાં, કિંજલ દવે,  બંકિમ પાઠક, ધનરાજ ગઢવી, અરવિંદ બારોટ અને ઇન્દિરા શ્રીમાળી અમદાવાદમાં, ઓસમાણ મીર, સાંઈરામ દવે અને પંકજ ભટ્ટ રાજકોટમાં, ગીતા રબારી કચ્છમાં, વિરાજ બારોટ પાટણ અને જીજ્ઞેશ કવિરાજ મહેસાણામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જોડાવાના છે.

(9:33 pm IST)
  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST

  • નવા ટ્રાફીક કાનુનનો અમલ શરૂ પરંતુ રાજકોટમાં બપોરે ૧૨ સુધીમાં કોઇપણ સ્થળે ફીઝીકલ ચેકીંગ ચાલુ નથી થયું: કેમેરા દ્વારા મેમા ફટકારાય તેવી શકયતાઃ જેથી માથાકુટો ન સર્જાય access_time 12:24 pm IST

  • કેન્દ્ર ને ઝટકો આપતી સુપ્રીમ કોર્ટ : સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગુલામ નબી આઝાદને કાશ્મીરની મુલાકાત લેવાની મંજૂરી આપી છે. આ સમય દરમિયાન તે ચાર જિલ્લાની મુલાકાત લઈ શકે છે. જો કે, તે આ સમયગાળા દરમિયાન કોઈપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. એકવાર ત્યાં પહોંચ્યા પછી, તે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. આ સંદર્ભે કેન્દ્રને નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ હવે ગુલામ નબી આઝાદ બારામુલ્લા, અનંતનાગ, શ્રીનગર અને જમ્મુ જિલ્લાની મુલાકાત લઈ શકે છે. access_time 12:28 pm IST