Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ગુજરાતમાં મેઘમહેર : કપરાડામાં છ, છોટાઉદેપુરમાં પ ઇંચ વરસાદ

દક્ષિણ અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ : ભારે વરસાદના કારણે જુદા જુદા વિસ્તારો જળબંબાકાર : મોટાભાગના ડેમ ઓવરફ્લો થતાં સાવચેતીના પગલા : મહિસાગર કાંઠાના ૧૦૬ ગામો એલર્ટ

અમદાવાદ,તા. ૧૫ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. દક્ષિણપૂર્વ રાજસ્થાન ઉપર મોર્નિંગના લો પ્રેશર એરિયા અને આસપાસના વિસ્તારોમાં અન્ય સિસ્ટમના પરિણામ સ્વરુપે ભારે વરસાદનો દોર હજુ જારી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના કપરાડામાં છ ઇંચથી વધુ વરસાદ થયો છે. બીજુ બાજુ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં પાંચ ઇંચથી વધુ અને લુણાવાડામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. મહિસાગર નદી ગાંડીતુર થતાં ૬૫ ગામો સંપર્ક વિહોણા થયા છે. હેરન નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે. ઓરસંગ નદી બે કાઠે થઇ છે. મહિસાગર નદીના કાંઠાના ૧૦૬ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર પથંકમાં પાંચ ઇંચ વરસાદને પગલે ઓરસંગ નગી બે કાંઠે વહી રહી છે. આ ઉપરાંત લુણાવાડામાં પણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. જેને પગલે વાંસીયા તળાવ પાસે આવેલુ એક મકાન ધરાશાયી થઇ ગયું હતું. જો કે, આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી.

              આ ઉપરાંત દાહોદ પથંકમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આજના ભારે વરસાદને પગલે છોટા ઉદેપુર, લુણાવાડા સહિતના પંથકોમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળતા હતા.  છોટા ઉદેપુરમાં ભારે વરસાદને લઇ હેરણ નદીમાં ફરી એકવાર ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. નર્મદા નદી છેલ્લા સવા મહિનાથી ઉફાન પર છે, ત્યારે હવે કડાણા ડેમમાંથી છોડવામાં આવેલા સાત લાખ ક્સૂયેક પાણીને કારણે મહીસાગર નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. મહીસાગર જિલ્લાના ૧૦૬ ગામો એલર્ટ પર છે અને ૬૫ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. વડોદરા જિલ્લાના છ થી વધુ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. મહીસાગર નદી ગાંડીતુર બનતા ૫૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે ત્રણ મોટા પૂલ ડુબાણમાં ગયા છે. બીજીબાજુ, છોટાઉદેપુર પથંકમાં આજે પાંચ ઇંચ વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદને લઇ સ્થાનિક ઓરસંગ નદી પર બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદને પગલે છોટાઉદેપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાકરિયા, રામગઢી અને બીલીથામાં મહીસાગર નદીનું પાણી ખેતરોમાં ઘૂસી જતા સ્થાનિક ખેડૂતો ચિંતિત બન્યા છે.

               બાકરિયામાં જવાના રસ્તા ઉપર પાણી ભરાઇ જતા અહીંના સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે. બાકરિયા ગામના લોકો દ્વારા આક્ષેપ કરી રહ્યા છે કે, અમારા ગામમા જતા રસ્તા તરફ અને ખેતરોમાં પાણી ભરાયા હોવા છતાં ગામની પરિસ્થિતિનો તાગ મેળવવા તંત્રના અધિકારીઓ મુલાકાતે આવ્યા નથી. ભારે વરસાદને લઇ છોટાઉદેપુર, લુણાવાડા સહિતના પંથકોમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે લોકો ભારે હાલાકી અને હાડમારીનો ભોગ બન્યા હતા. મોડાસાનો માઝુમ ડેમ પણ આજે છલકાયો હતો તો, પંચમહાલના કડાણા ડેમમાં પાણીની બહુ નોંધનીય આવક થઇ હતી. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી મેઘરાજાની સતત મહેર જારી રહી છે. ખાસ કરીને વલસાડ, વાપી, ભરૂચ, ડાંગ, આહવા સહિતના પંથકોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વલસાડ જિલ્લાના કપરાડા પંથકમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદ અને નવા નીરની આવકના કારણે સ્થાનિક મધુબન ડેમમાંથી ૪૩ હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં મેઘરાજા ચાલુ વર્ષની સિઝનમાં સોળેકળાએ ખીલ્યા છે.મૂશળધાર વરસાદથી જિલ્લાને તરબોળ કરવાનો સિલસિલો વણથંભ્યો રહ્યો છે. મેઘરાજાએ ઉંડાણના આદિવાસી વિસ્તારની દિશા પકડી હતી. કપરાડામાં ધોધમાર છ ઈંચથી વધુ વરસાદ ખાબકયો હતો. જેના પરિણામે ગ્રામ્ય પંથકમાં ખનકા, નાળા,કાંસ, તળાવો ઉભરાઇ ગયા હતા. જ્યારે મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવતા કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન કપરાડામાં છ ઈંચ, ધરમપુરમાં ત્રણ ઈંચ, ઉમરગામમાં ત્રણ ઈંચ, વાપીમાં બે ઈંચ વરસાદ ખાબકતાં ઠેરઠેર જળબંબાકાર થઇ ગયા હતા.

              વલસાડ જિલ્લામાં ઉપરવાસના કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ થતાં મધુબન ડેમમાં વરસાદી પાણીની આવકમાં વધારો થતાં તંત્ર દોડતું થઇ ગયું હતું. ડેમમાં પાણીની આવક ૩૮૧૪૦ ક્યુસેક થઇ જતાં ૪૩ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. બીજી તરફ કિનારાના લોકોને એલર્ટ કરી દેવાયા હતા. વલસાડ અને સંઘપ્રદેશને જોડતાં જંગલ વિસ્તાર કપરાડા તાલુકાના ઉંડાણના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડતાં નદીમાં પાણી વધી ગયા હતા. મધુબન ડેમમાં અંતરિયાળ વિસ્તારના ભારે વરસાદના કારણે ૪૩ હજાર કયુસેક પાણી છોડવા માટે ૨ મીટરની ઉંચાઇ સુધીના ૪ ગેટ ખોલી દેવામાં આવ્યા હતા. જેના પરિણામે દમણગંગા નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો. આ જ રીતે ખેરગામ અને ધરમપુર તાલુકાના ગામોમાં વરસાદની અસર વર્તાઈ રહી છે. ધરમપુર તાલુકાના ખટાણા અને ખેરગામ તાલુકાના પાટી ગામને જોડતો તાન નદી પર આવેલો કોઝવે તેમજ ચીમનપાડા અને મરઘમાળ વચ્ચેનો કોઝવે, બહેજ અને ભાભા, નાધઇ અને મરલાને જોડતો ગરગડીયાનો કોઝવે છેલ્લા કેટલાક દિવસથી પાણીમાં ગરકાવ રહેતા અનેક ગામનાં લોકોએ એક તરફથી બીજે તરફ જવા લાંબો ચકરાવો લેવો પડે છે, ગઇકાલે પણ વરસાદનું આગમન જારી રહેતા આ તમામ કોઝવે પાણીમાં ગરકાવ રહેતા લોકોની મુશ્કેલી વધી હતી. બીજી તરફ આસપાસમાં દૂધની ડેરીમાં દૂધ ભરવા જતા લોકો પશુપાલન વ્યવસાયને પણ ગંભીર અસર થવા પામી હતી.

(9:29 pm IST)