Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ટ્રાફિકના નવા કઠોર નિર્ણયો કાલથી અમલી : લોકો ખફા

કઠોર નિર્ણય બાદ લોકોમાં ભારે અંધાધૂંધી ફેલાઈ લાઇસન્સ, પીયુસી, આરસીબુક અને ઇન્શ્યોરન્સ સહિત દસ્તાવેજો પૂર્ણ કરવા વધુ સમય આપવા લોકોની માંગણી

અમદાવાદ, તા.૧૫ : કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નવા ટ્રાફિક નિયમોની આવતીકાલે તા.૧૬મી સપ્ટેમ્બરથી અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજયમાં અમલવારી થવા જઇ રહી છે ત્યારે રાજયભરના પ્રજાજનોમાં આકરા દંડ અને જોગવાઇઓને લઇ ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ખુદ કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ જે તે રાજયોને આ નવા નિયમોની અમલવારી કરવા મુદ્દે સ્વતંત્રતા આપી છે ત્યારે ગુજરાતની રૂપાણી સરકારે અન્ય કેટલાક રાજયોની જેમ અહીં ગુજરાત રાજયમાં પણ ટ્રાફિકના આ નવા આકરા નિયમો અને વધુ પડતા દંડની આકરી જોગવાઇઓની અમલવારી તાત્કાલિક અસરથી મોકૂફ રાખી દેવી જોઇએ એવી લોકોમાં જબરદસ્ત માંગણી ઉઠવા પામી છે.

        ગુજરાત સરકારે તેમાંથી આંશિક રાહત આપી છે પરંતુ નવી દંડની રકમ પણ સામાન્ય જનતાના ખિસ્સાને કોઇપણ સંજોગોમાં પોષાય એમ જ નથી, તેથી રાજયભરના પ્રજાજનોમાં ટ્રાફિકના આ નવા નિયમોની અમલવારી તાત્કાલિક અસરથી મોકૂફ રાખવા વ્યાપક માંગણી ઉઠી છે. રાજયના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલો બહુ જ સંવેદનશીલ અને ગંભીર હોઇ રૂપાણી સરકારે ખરેખર વ્યવહારૂ અને માનવીય અભિગમ અપનાવવો જોઇએ અને લોકોને આ ડર અને ફફડાટના માહોલમાંથી બહાર લાવવા જોઇએ. સરકારના આ તઘલખી ફરમાનને લઇ હાલ તો લોકો લાયસન્સ, પીયુસી, ઇન્શ્યોરન્સ, આરસી બુક માટે આરટીઓ કચેરી, પીયુસી સેન્ટર સહિતના સ્થળોએ લાંબી લાઇનો લગાવવા મજબૂર બન્યા છે. સરકારે સામાન્ય જનતાને લાયસન્સ, આરસીબુક, પીયુસી કે ઇન્શ્યોરન્સ સહિતના ડોકયુમેન્ટ્સની પરિપૂર્તતા માટે પૂરતો સમય આપ્યા વિના જ અચાનક અમલવારીની વાત ઉતાવળે કરી દેતાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં જાણે જબરદસ્ત અંધાધૂંધી અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

        નોટબંધી, જીએસટીના મરણતોલ ફટકા બાદ લોકો હવે ટ્રાફિક નિયમો અને દંડનો માર સહન કરવા મજબૂર બન્યા છે, જેના કારણે લોકોમાં એક પ્રકારનો ભારેલા અગ્નિ જેવો જોરદાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે ખાસ કરીને મહિલાઓ, યુવતીઓ સરકાર પર ફિટકાર વરસાવી રહ્યા છે. અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, સરકાર ભલે નવા નિયમો લાગુ કરે પરંતુ તેની અમલવારી માટે ખાસ કરીને લાયસન્સ, પીયુસી, ઇન્શ્યોરન્સ, આરસી બુક સહિતના ડોકયુમેન્ટસની પરિપૂર્તતા માટે સરકારે નાગરિકોને પૂરતો સમય આપવો જોઇએ. આ ડોકયુમેન્ટસની પરિપૂર્તિ બે-ચાર દિવસ કે અઠવાડિયામાં થઇ શકે તેમ નથી. નાગરિકોને સરકારે ખરેખર બે-ચાર મહિનાનો સમય આપવો જોઇએ કારણ કે, આ ડોકયુમેન્ટસ તૈયાર કરવામાં એટલો સમય તો જાય જ તેમ છે. કારણ કે, તંત્ર ખુદ તેને પહોંચી વળે તેમ નથી તે વાસ્તવિકતા છે. બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં એચએસઆરપી નંબર પ્લેટથી લઇને લાયસન્સ, આરસીબુક, ઇન્શ્યોરન્સ અને પીએયુસી માટે લોકો પોતાની નોકરી અને ધંધા-રોજગાર છોડી હાલ આ ડોકયુમેન્ટ્સ પરિપૂર્ણ કરવા માટે આરટીઓ કચેરી, પીયુસી સેન્ટર પર લાંબી લાઇનો લગાવવા મજબૂર બન્યા છે. નવા ટ્રાફિક નિયમોની આવતીકાલથી જ અમલવારી થવાની છે ત્યારે શહેરમાં ટ્રાફિક પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ, ઝપાઝપી અને મારામારીના બનાવો પણ સામે આવે તેવી ગંભીર દહેશત છે ત્યારે સરકારે સમગ્ર મામલે ગંભીરતાથી વિચાર કરવો જોઇએ અને ઉતાવળે નવા નિયમોની અમલવારીનો હઠાગ્રહ રાખવો જોઇએ નહી.

કેટલાક જાગૃત નાગરિકોએ રોષ ઠાલવ્યો હતો કે, કાયદા ને નિયમો લોકોની સુખાકારી અને સાનુકૂળતા માટે હોય..લોકોને બિનજરૂરી હાલાકી કે હેરાન-પરેશાન કરવા અને તેમને ડરાવવા માટે નહી. સરકારે આ વાત સમજવાની જરૂર છે અને નવા નિયમોની અમલવારી માટે નાગરિકોને બે-ચાર મહિના જેટલો પૂરતો સમય આપવો જ પડે, એમ કંઇ બે-ચાર દિવસમાં આટલા મોટા રાષ્ટ્રવ્યાપી નિર્ણયની અમલવારી ઓછી થઇ શકે એવા ગંભીર સવાલો પણ લોકોએ ઉઠાવ્યા હતા અને તાત્કાલિક અસરથી ગુજરાત રાજયમાં ટ્રાફિકના નવા નિયમોની અમલવારી મોકૂફ રાખવા ઉગ્ર માંગણી કરી હતી.

(8:07 pm IST)