Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

નર્મદા ડેમમાંથી સરેરાશ ૪.૯૫ લાખ ક્યુસેક પાણીનો છોડાતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી:નર્મદા ડેમમાંથી સરેરાશ આશરે ૪.૫ લાખ ક્યુસેક પાણી ઉપરાંત ભૂગર્ભ જળ વિદ્યુતમથકમાંથી ૪૫ હજાર ક્યુસેક પાણી સહિત કુલ-૪.૯૫ લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે: નર્મદા નદીમાં પાણીના આઉટફ્લોની પરિસ્થિતિને અનુલક્ષીને નર્મદા જિલ્લા વહિવટીતંત્ર સાબદું:ગુરુડેશ્વર , તિલકવાડા અને નાંદોદ તાલુકાના નિચાણવાળા સંભવત: અસરગ્રસ્ત ગામોને સાવચેતીના પગલારૂપે સાવધ કરાયાં: કિનારાના ગામોમાં પોલીસ પેટ્રોલીંગ સહિત તકેદારીના ભાગરૂપે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૧૬ મી ઓગસ્ટ, ૨૦૨૨ ને મંગળવારના રોજ ૫=૦૦ કલાકે ૧૩૪.૭૪ મીટરે નોંધાયેલ છે. ઉપરવાસના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે ૩.૪૩ લાખથી પણ વધુ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઈ રહી છે.
તદ્અનુસાર ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે આજે તા. ૧૬મી એ સાંજે ૫=૦૦ વાગ્યાની સ્થિતિએ નર્મદા ડેમના ૨૩ દરવાજા ૨.૯૦ મીટર સુધી ખોલીને સરેરાશ આશરે ૪.૫ લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે. તેની સાથોસાથ ભૂગર્ભ જળવિદ્યુત મથકમાંથી વિજ ઉત્પાદન બાદ છોડાઈ રહેલા આશરે ૪૫ હજાર ક્યુસેક પાણી સહિત કુલ-૪.૯૫ લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો છે.

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને અનુલક્ષીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની પરિસ્થિતિ સંદર્ભે જરૂરી આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને સાબદુ કર્યું છે. તેમજ જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદારશ્રીઓ, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તકેદારી અને સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
તદ્દનુસાર ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, મોટા વાંસલા, ઇન્દ્રવર્ણા અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના રેંગણ અને વાંસલા તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ (રામપુરા), ગુવાર, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીમાં અવરજવર ન કરવા તથા પશુઓની અવરજવર ન થાય તે માટે સાવચેત કરવામાં આવ્યાં છે.
તદ્ઉપરાંત, જિલ્લા પોલીસતંત્ર દ્વારા વાંસલા-ઇન્દ્રવર્ણા ડેમસાઈટ કિનારાના ગામમાં પોલીસ પેટ્રોલીંગ કરવા અને નદીકાંઠે કોઈ વાહન-વ્યક્તિ ન જાય તે જોવા તેમજ દત્તમંદિર ઓવારા ઓવરફ્લો હોઈ, રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ કિનારા ઉપર ન જાય તેની તકેદારી રાખવા તથા ડેમ ઓવરફ્લો થતાં સ્મશાન ઘાટ જવાના રસ્તે નદીમાં કોઈ વાહન ન જાય તેમજ બેરીકેટ બંધ રાખવા વગેરે જેવા સુરક્ષાના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

(11:19 pm IST)