Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

મુંબઈની એન્ટી નારકોટિક્સ સેલે ભરૂચમાં 513 કિગ્રાનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું : મહિલા સહિત 7ની ધરપકડ

1026 કરોડનો ડ્રગ્સ ઝડપી ઇન્ફિનિટી એન્ડ રિસર્ચ કંપનીમાં ચાલતા નશાનાં કારોબારનો ભાંડાફોડ કર્યો

ભરુચ તા.16 : ભરુચની પાનોલી GIDCમાં આવેલી ઇન્ફિનિટી એન્ડ રિસર્ચ કંપનીમાં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે રેઇડ કરીને અંદાજીત 513 કિલો MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો છે. જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત 1026 કરોડ રૂપિયાની આંકવામાં આવી છે. આ સાથે જ પોલીસે એક મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે.

પાનોલી GIDCની ઈન્ફિનિટી એન્ડ રિસર્ચ કંપનીમાં ચાલતા નશાના કારોબારનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે. 5 વર્ષ અગાઉ અસ્તીત્વમાં આવેલ કંપનીનું દેશના યુવધનને બરબાદ કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે. આ સાથે ભરૂચ જિલ્લાના ઈતિહાસમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, અગાઉ ગત બુધવારે પણ મુંબઈ પોલીસે પાલઘર જિલ્લાના નાલાસોપારામાં એક દવા બનાવતા યુનિટ પર દરોડા પાડીને 1403 કરોડ રૂપિયાનું 701.74 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતુ. જેમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ANCએ દાવો કર્યો હતો કે, ડ્રગ્સની ખેપને મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો.

આ મામલે પકડવામાં આવેલા 52 વર્ષના મુખ્ય આરોપી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે, જેણે જાતે મેફેડ્રોન ડ્રગ્સ બનાવવી પદ્ધતિ શીખી અને પછી કાળો કારોબાર શરૂ કર્યો. આ કાર્યવાહીમાં મુંબઈથી 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક વ્યક્તિ નાલાસોપારાથી ઝડપાયો હતો. આરોપીઓ પૈકી એક મહિલા પણ હતી.

(10:24 pm IST)