Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

હિન્દુઓના સર્વોચ્ચ મંડળની સ્થાપનાનો સમય પાકી ગયો

નવા પુસ્તક ધી હિન્દુ વેટીકનનું અનાવરણ કરાયું: લેખક સુરેશચંદ્ર અગ્રવાલે ધી હિન્દુ વેટીકનમાં હિન્દુઓ માટે મહામંદિર જેવા મંડળની સ્થાપનાનો વિકલ્પ સૂચવ્યો

અમદાવાદ,તા. ૧૮: જેવી રીતે ક્રિશ્ચિયન વેટીકન હોય છે અને તેના સર્વોચ્ચ મંડળના ધર્મગુરૂને પોપ કહેવાય છે, તે જ પ્રકારે હવે પાંચ હજાર વર્ષ પ્રાચીન હિન્દુસમાજના સર્વોચ્ચ મંડળની સ્થાપના કરવાનો સમય પાકી ગયો છે. હિન્દુઓ માટે મહામંદિર જેવા સર્વોચ્ચ મંડળની સ્થાપના કરવા અને તે મંડળના વડા ધર્મગરૂને મહાશંકરાચાર્ય તરીકે નિયુકત કરવાનો અનોખો વિકલ્પ ભારતના જાણીતા લેખક સુરેશચંદ્ર અગ્રવાલ દ્વારા તેમના 'ધી હિન્દુ વેટીકન' પુસ્તકમાં સૂચવવામાં આવ્યો છે. દેશના જાણીતા લેખક સુરેશચંદ્ર અગ્રવાલના પુસ્તકમાં જાતિવાદ નાબૂદીથી લઇ ગૌરક્ષા, શિક્ષણની ગુણવત્તા, આરોગ્યવિષયક સેવા સહિતના કેટલાય મહત્વના પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ હિન્દુઓના સર્વોચ્ચ મંડળના સ્થાપના કર્યેથી આવી શકે છે, તેની પર ભાર મૂકાયો છે. ભારતના જાણીતા લેખક સુરેશચંદ્ર અગ્રવાલે હિંદુત્વ માટે એક સર્વોચ્ચ મંડળની સ્થાપના કરવાના મૂળ વિચાર સાથે લખેલા પુસ્તક 'ધી હિન્દુ વેટીકન' અનાવરણ કરી એક ક્રાંતિકારી પહેલને સમાજ સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કર્યો છે. જાણીતા લેખક સુરેશચંદ્ર અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે,  વેટીકનની જેમ હિન્દુઓ માટે પણ 'મહામંદિર' જેવા સર્વોચ્ચ મંડળની સ્થાપના કરવી જોઇએ. સાથે સાથે મહામંદિરના વડા એવા ધર્મગુરૂની મહાશંકરાચાર્ય તરીકે નિયુકિત થવી જોઇએ. હિન્દુઓના આ સર્વોચ્ચ મંડળ મારફતે ભાર દેશમાંથી ખાસ કરીને સમાજમાં પ્રવર્તતી જાતિવાદ, શિક્ષણની કથળતી સ્થિતિ, આરોગ્ય વિષયક સેવામાં ઉણપ, ગૌ રક્ષા, ગંગાની સફાઇ, પદયાત્રા સંઘ, દલિતો સહિત સમાજના નબળા વર્ગોને સ્વમાન અને સુરક્ષા સહિતની અનેક સમસ્યાઓથી ઝડપથી અને અસરકારક રીતે મુક્તિ મળી શકશે. ભારતની સ્વતંત્રતાને ૭૦ વર્ષ થઇ ગયા હોવા છતાં પણ દેશમાં જાતિવાદનું ઝેર પ્રસરાયેલું છે અને નાગરિકોને તેના કડવા ઘુંટડા ભરવા પડે છે. આ કામગીરી માટે રાજકીય પક્ષો પર મદાર રાખવા કરતા હિન્દુઓ માટે એક સર્વોચ્ચ મંડળ 'મહામંદિર'ની સ્થાપના કરવી જોઇએ. આ માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારોએ આગળ પડતી ભૂમિકા ભજવવી જોઇએ અને દેશના તમામ મોટા મંદિરો, મહંતો અને સંતસમાજે આગળ આવવું જોઇએ. બધાએ એકસંપ થઇ આ ક્રાંતિકારી નિર્ણયની અમલવારીની દિશામાં હકારાત્મ અભિગમ અપનાવી પ્રયાસો કરવા જોઇએ. હિન્દુઓના સર્વોચ્ચ મંડળ મહામંદિરની સ્થાપના થયેથી હિન્દુત્વને લગતી ઘણી કામગીરી હાથ ધરી શકાશે, જેમાં ગાય બચાવો ઝુંબેશ, ગંગાની સફાઇ, રસ્તે રખડતા કૂતરાઓ અને વાંદરાઓના ત્રાસ, શિક્ષણની ખરાબ ગુણવત્તા અને આરોગ્યને લગતી બાબતો સહિતની અનેક હિન્દુ સંસ્કૃતિના પ્રચાર-પ્રસારની વાતોનો ઉકેલ શકય બનશે.  ભારત દેશની હાલની સ્થિતિ જોતાં હિન્દુઓના સર્વોચ્ચ મંડળની સ્થાપના ઘણી અનિવાર્ય છે એમ કહેતાં જાણીતા લેખક સુરેશચંદ્ર અગ્રવાલે ઉમેર્યું કે, આજદિન સુધી વેટીકનની જેમ હિન્દુઓ માટે એક સર્વોચ્ચ મંડળની સ્થાપના કરવાનો વિચાર લઇને આગળ આવી નથી, તેથી ધી હિન્દુ વેટીકન પુસ્તક થકી દેશની અને સમાજની પ્રવર્તમાન સમસ્યાઓના ઉકેલ અને નિવારણ સહિતના તમામ પાસાઓને આવરી લઇ બહુ વિશાળ અને દૂરોગામી પરિપ્રેક્ષ્યમાં આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. ભારત દેશ અને સમાજ માટે આ પુસ્તક અને તેમાં આલેખાયેલી વાતો એક નવી સદીના પ્રારંભ સમાન બની રહેશે એવો તેમણે આશાવાદ વ્યકત કર્યો હતો. 

(10:00 pm IST)