Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ત્રણ-ચાર દિવસમાં રાજયમાં નોંધપાત્ર વરસાદ થઇ શકે છે

અપર એરસાયકલોનિક સરક્યુલેશનની સ્થિતિ : રાજયના ૧૧ જિલ્લામાં તો ભારેથી અતિભારે વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાઓ વરસાદ

અમદાવાદ, તા.૧૬ : અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા આંખ મીચામણાં કરી રહ્યા છે અને તેમની મેઘવર્ષાથી જગતના તાત સહિત રાજયના પ્રજાજનોને વંચિત રાખી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે હવે આગામી ત્રણથી ચાર દિવસમાં ગુજરાતમાં ઘણાખરા ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં રાજયના ૧૧ જિલ્લાઓમાં તો, ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આ આગાહીને પગલે જગતના તાત સહિત રાજયના પ્રજાજનોમાં હવે મોડે મોડે પણ સારા વરસાદની આશા બંધાઇ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ સપ્તાહથી વરસાદ પડી રહ્યો નથી. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં અપર એર સાયકલોનિક સરકયુલેશન સર્જાયુ હોવાથી વરસાદની શકયતા જોવામાં આવી રહી છે. અપર એર સરકયુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થઈને આગળ વધી રહ્યુ છે. બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશમાં થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે. ગઈકાલે અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળો ચોક્કસ ઘેરાયેલા હતા પરંતુ વરસાદ ન વરસતા લોકો બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. હાલ બંગાળની ખાડી પર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.  જે, લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જેથી આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશન ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી તા.૧૭ અને તા.૧૯ ઓગસ્ટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીની પરની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે. જો કે જે રીતે દરિયો તોફાની બન્યો છે તે જોતા આગામી ૪૮ કલાક સુધી દરિયો ન ખેડવાની માછીમારોને સુચના પણ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૬ ટકા વરસાદ વરસ્યો છે. જો કે, તેમ છતા રાજ્યના અમદાવાદ સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં હજુ પણ જરૂરિયાત કરતા ઓછો વરસાદ વરસ્યો છે., તેને લઇ ખેડૂતો સહિત સૌકોઇ મેઘરાજાની કૃપાની ચાતક નજરે રાહ જોઇને બેઠા છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો છે. છત્તીસગઢ અને વિદર્ભ ઉપર ડિપ્રેશનની સ્થિતિ તોળાઈ રહી છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ થઇ શકે છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૨૫.૬ અને મહત્તમ તાપમાન ૩૫.૨ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં ખુબ ઓછો વરસાદ થયો છે.

 

(8:10 pm IST)