Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મગફળીકાંડમાં પરેશ ધાનાણીની રાજકીય નૌટંકીઃ પ્રદિપસિંહજી

ગોડાઉનમાં પડેલી મગફળીની તપાસ નહિં : વેચાયા બાદ ફરીયાદ આવશે તો સરકાર સક્રિય : ગૃહમંત્રી : સરકાર પગલા લે જ છે, કૌભાંડમાં સંડોવાયેલા ચમરબંદીને પણ સરકાર નહિં છોડે : મગન ઝાલાવડીયાનો રોલ સ્‍પષ્‍ટ હતો તેથી પગલા લીધા જ છે : રાજકોટમાં પત્રકાર પરિષદમાં ગૃહમંત્રીશ્રીની જાહેરાત

રાજકોટ તા. ૧૬ :.સૌરાષ્‍ટ્રમાં ખૂબ ચર્ચાસ્‍પદ બનેલા મગફળીકાંડમાં આજે ગૃહમંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ સ્‍પષ્‍ટ જણાવ્‍યું હતું કે, આ કાંડમાં સંડોવાયેલા ચમરબંદીને પણ સરકાર છોડવાની નથી.

આજે રાજકોટમાં સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે, મગફળીના ટેકાના ભાવ જાહેર કરીને સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યા છે. વિપક્ષ કોંગ્રેસ ગુજરાતમાં સંપૂર્ણ પણે મતાધિકાર ગુમાવી બેઠી છે. મગફળી અંગે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ઉપવાસ કરીને રાજકીય નૌટંકી  કરી રહ્યા છે.

શ્રી જાડેજાએ કહયું હતું કે, ભુતકાળમાં કોંગ્રેસે ખેડૂતોના હિતના કોઇ જ પગલા લીધા ન હતાં. ગુજરાતમાં કોંગ્રેસે જનાધાર ગુમાવ્‍યો છે. સરકારે મગફળીના પોષણક્ષમ ભાવ આપ્‍યા છે અને સાડા ચાર લાખ જેટલાં ખેડૂતોની મગફળી ખરીદ કરી છે. ખેડૂતોના હિતના પગલાંથી કોંગ્રેસ ઇર્ષ્‍યા કરે છે અને ઉપવાસ જેવી નૌટંકી કરીને ખેડૂતોને ગુમરાહ  કરવાનો પ્રયાસ કરે છે.

શ્રી જાડેજાએ કહ્યું હતું કે, ખેડૂતો પાસેથી ખરીદાયેલી પ૦ ટકા જેટલી મગફળી વેચાઇ પણ ગઇ છે. જો કે ગૃહમંત્રીએ નીતિ વિષયક બાબત સ્‍પષ્‍ટ કરતા કહયું હતું કે, ગોડાઉનમાં પડેલી મગફળીની તપાસ થનાર નથી. આ મગફળી વેચાયા બાદ વ્‍યાપારીની ફરીયાદ આવશે તો જ તપાસ થશે. જે કોઇ સંડોવાયેલા હશે તે કોઇપણ પક્ષના હોય, તેને છોડવામાં નહિ આવે. મગનભાઇ ઝાલાવડીયાની ભૂમિકા સ્‍પષ્‍ટ થતા સરકારે કાર્યવાહી કરી જ છે.

પ્રદીપસિંહજીએ કહ્યું હતું કે, કયા ગોડાઉનમાં કઇ મંડળીની મગફળી છે તેનો રેકોર્ડ ઉપલબ્‍ધ છે. વ્‍યાપારી ફરીયાદ કરશે તો તેની તપાસ થશે. તેઓએ જણાવેલું કે, હાપા-શાપર- અંગે તપાસ ચાલુ છે, જયારે ગોંડલમાં છ વ્‍યકિતની અને પેઢલામાં ૩૦ વ્‍યકિતની ધરપકડ કરાઇ છે.

શ્રી જાડેજાએ જણાવ્‍યું હતું કે, કોંગ્રેસના  દિગ્‍ગજ નેતા વાઘજીભાઇ બોડાએ સજાગતા  ન રાખી તેથી મગફળીકાંડ થયો છે. હવે કોંગ્રેસ દોષનો ટોપલો અન્‍ય પર ઢોળી રહી છે.

(4:39 pm IST)