Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સૂર્યપુત્રી તાપીનો આજે જન્મદિવસ: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી મૈયાનું ધાર્મિક અને સામાજિક રીતે અલૌકિક મહત્ત્વ

વિશ્વની એકમાત્ર નદી જેમનો જન્મદિવસ મનાવવામાં આવે છે :તાપી નદીનો ઉદગમ મધ્યપ્રદેશના મુલતાઈ જિલ્લા પાસે આવેલા સાતપુડા પર્વતમાળામાંથી થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી થઈને ફરતી તાપી નદીની લંબાઈ અંદાજે 724 કિ.મીની છે

તાપી : સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસની આજે સુરતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં એકમાત્ર ડક્કા ઓવારા ખાતે આવેલ તાપી માતાના મંદિરે વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ અને કોઈ ગાઇડલાઇન સાથે તાપી માતાની પૂજા-અર્ચના કરી હતી.
સુરતએ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર છે અને તેના માટે સુરતને સુર્યપુર કહેવાય છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મદિવસ છે.
દર વર્ષે તાપી નદીના જન્મદિવસે માતા તાપીની પૂજા કરીને તેને ચુંદડી ચડાવવામાં આવે છે.સુરતની જીવાદોરી સમાન તાપી નદીને સુરતીઓ માતા તરીકે પૂજે છે અને એટલા માટે જ સુરતમાં તાપી નદીના મંદિરો પણ આવેલા છે. જેમાંથી એક મંદિર છે ચોક બજાર ઘંટા ઓવારા પર. જ્યાં દરરોજ આ મંદિરની પૂજા કરવામાં આવે છે અને તાપી માતાને યાદ કરીને આભાર માનવામાં આવે છે.
તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે. બીજી નદીમાં સ્નાન કરીએ તો નદીને કંઈક અર્પણ કરવું પડે છે પણ તાપી વિશે એવું કહેવાય છે કે તાપી એટલી પવિત્ર અને પાવનકારી છે કે તાપી નદીના માત્ર સ્મરણ કરવાથી જ તમામ દુઃખોનો નાશ થઈ જાય છે.તાપી નદીનો ઉદગમ મધ્યપ્રદેશના મુલતાઈ જિલ્લા પાસે આવેલા સાતપુડા પર્વતમાળામાંથી થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી થઈને ફરતી તાપી નદીની લંબાઈ અંદાજે 724 કિ.મીની છે. પુરાણોમાં કહેવાયું છે કે ભગીરથ રાજા ગંગા નદીને પૃથ્વી પર અવતરણ કરવા તપ કરવા આવતા ત્યારે શુદ્ધ થવા તેઓ તાપી નદીએ આવીને સ્નાન કરતા, આમ ગંગા નદી કરતા પણ તાપી નદી કરતા જૂની છે અને એટલે જ તેને આદી ગંગા પણ કહેવાય છે.
સુરતના એક વ્યક્તિએ તો તાપી પુરાણ પણ લખ્યું છે, જેમાં તાપી નદીના ઉદગમસ્થાનથી લઈને તાપી નદીનું મહાત્મ્ય, તાપી નદીનો ઈતિહાસ, તેના કિનારે આવેલા મંદિરો વિશેની તમામ માહિતી સાંકળી લેવામાં આવી છે. આ સુરતીનું નામ છે ઐલેષ શુક્લ. તેમણે 500 પાનાનું તાપી પુરાણ તૈયાર કર્યું છે. તેમની પાસે વર્ષ 1932 અને 1604ની વર્ષના બે તાપીપુરાણ છે, જેનો આધાર લઈને તેમને આ તાપી પૂરાણ તૈયાર કર્યું છે. આ માટે તેમને 6,500 કિમીની યાત્રા કરી છે. 3 હજાર ફોટોગ્રાફ્સ લીધા છે અને 500 જેટલા વ્યક્તિઓના ઈન્ટરવ્યૂ કર્યા છે.

(8:20 pm IST)