Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

કરાર પુરા થતા મિલ્કત ખાલી ન કરતા ભાડૂઆતની ધરપકડ

મિલ્કતો પર કબજો જમાવતા ભાડૂઆતો સામે લાંલ આંખ : રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ કાયદાના અમલને લીધે મિલ્કતના માલિકે કલેક્ટરને ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી કરી

વડોદરા, તા.૧૬ : ભાડાં કરાર પૂરો થયા બાદ પ્રોપર્ટી ખાલી ના કરી તેના પર કબજો જમાવી લેનારા ભાડુઆતની પોલીસે ધરપકડ કરી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કલેક્ટર કચેરીમાં થયેલી ફરિયાદ બાદ થયેલા ઓર્ડરના આધારે પોલીસે ભાડુઆત સામે ગુનો દાખલ કરી તેને લોકઅપમાં ધકેલી દીધો હતો. સામાન્ય રીતે કેસમાં જમીન કે મકાન પર ખોટી રીતે કબજો જમાવનારા લોકો પર કાર્યવાહી થતી હોય છે. જોકે, ભાડુઆત સામે તેના અંતર્ગત કાર્યવાહી કરાતા જેમની મિલકતો પર ભાડૂઆતોએ ખોટી રીતે કબજો જમાવ્યો છે તે લોકોમાં એક નવી આશા જાગી છે.

કેસની સમગ્ર વિગત કંઈક એવી છે કે, વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા અબ્દુલરહીમ કુરેશીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં પોતાની સંયુક્ત મિલકતવાળી પ્રોપર્ટી પર ભાડુઆતે ખોટી રીતે કબજો જમાવ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોતાની પ્રોપર્ટીનો ભોંયતળિયાનો ભાગ જૈનુલઅલાબેદીન સૈયદ નામના શખ્સને ૨૩ જુલાઈ ૨૦૧૮ના રોજ ભાડે આપ્યો હતો. જ્યાં આરોપી રેસ્ટોરાં ચલાવતો હતો.

ભાડાં કરાર ઓગષ્ટ ૨૦૧૮થી ૩૦ જૂન ૨૦૧૯ સુધીના સમયગાળા માટે કરાયો હતો. પ્રોપર્ટીનું માસિક ભાડું ૧૫ હજાર રુપિયા નક્કી કરવામાં આવ્યું હતું. ભાડાં કરાર પૂરો થતાં ફરિયાદીએ ભાડુઆતને પ્રોપર્ટી ખાલી કરી દેવા જણાવ્યું હતું. જોકે, તેણે તેનો ઈનકાર કરી દઈને ફરિયાદીની પ્રોપર્ટી પર ગેરકાયદે રીતે કબજો જમાવી લીધો હતો. પોતાની મિલકત ખાલી ના થતાં ફરિયાદી અબ્દુલરહીમ કુરેશીએ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો, જે હાલ પેન્ડિંગ છે.

ગુજરાત સરકારે લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલી કર્યા બાદ કુરેશીએ તેના અંતર્ગત કલેક્ટર ઓફિસમાં અરજી કરી હતી. જેના સંદર્ભમાં કલેક્ટર ઓફિસે મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો ઓર્ડર આપ્યો હતો. અગાઉ જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે પોલીસે મામલો સિવિલ નેચરનો હોવાનું કહી તેમની માત્ર અરજી લીધા બાદ આરોપી સામે કોઈ કાર્યવાહી નહોતી કરી. જોકે, કલેક્ટર ઓફિસમાંથી ઓર્ડર છૂટતા પોલીસને ગુનો દાખલ કરી પ્રોપર્ટી પર કબજો જમાવીને બેઠેલા આરોપીની ધરપકડ કરવાની ફરજ પડી હતી.

(7:24 pm IST)