Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સુરતના હરિપુરામાં જુના મકાનમાં શોટ સર્કિટના કારણોસર આગ ભભુકતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધનુ સારવાર દરમ્યાન મોત

સુરત: શહેરનાહરીપુરામા ભવાની માતાના મંદિર પાસે 20 દિવસ પહેલા જુના મકાનના રીનોવેશન દરમિયાન શોર્ટ સર્કિટના લીધે આગ લાગતા ફટાકડાના બોક્સ ઝપેટમાં આવ્યા હતા. જોકે ફટાકડા ફૂટવાથી કામ કરતી વખતે દાઝી ગયેલા ત્રણ વ્યક્તિઓ પૈકી વૃદ્ધનું સારવાર દરમિયાન ગઈકાલે મોત નીપજ્યું હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ હરિપુરા ખાતે ભવાની માતાના મંદિર નજીક ભોઈ શેરીમાં ધવલભાઇ આઈવાલાનું બે માળનું આશરે 70 વર્ષ જુનુ મકાન આવેલું છે મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર ગત તા. 27મી ના બપોરે રીનોવેશનનું કામ ચાલતું હતું અને ત્યાં વેલ્ડીંગ કામ કામ કરતા હતા તે સમયે શોર્ટ સર્કિટ થતા લાગેલી આગમાં ફટાકડાના બોક્સને લપેટમાં લીધા હતા. જેના લીધે ત્યાં આગ સાથે ફટાકડા ફૂટવા લાગ્યા હતા. જેથી ફટાકડાથી ત્યાં કામ કરતા ત્રણ વ્યક્તિઓ દાઝી ગયા હતા અને ત્યાં ભાગદોડ મચી ગઇ હતી. આ અંગે ફાયરને જાણ થતા ફાયર કાફલા સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા. જો કે ફાયરજવાનો ત્યાં પહોંચે તે પહેલા ત્યાંના લોકોએ પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી નાખી હતી. જોકે આગમાં દાઝી ગયેલા પુષ્કરભાઈ ચીમનભાઈ પટેલ (ઉ.વ-62- રહે- ગોવર્ધન શેરી, નાનપુરા) તથા સંતોષ રાઠોડ (ઉં.વ-30) અને મોહનભાઈ પટેલ (ઉં.વ- 65) ની સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે પુષ્કરભાઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે બપોરે તેમનું મોત નિપજ્યું હતું આ અંગે મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:03 pm IST)