Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ગાંધીનગરમાં સાબરમતી નદીમાં ગેરકાયદે રેતી ખનનની વ્યાપક ફરિયાદોથી તંત્રની આંખ ઉઘડી

ગાંધીનગર:જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી સહિત અન્ય નદી ગેરકાયદે રેતી ખનનની પ્રવૃતિ વધી રહી છે ત્યારે વ્યાપક ફરીયાદો બાદ આજે ભુસ્તર તંત્રની ઉંઘ ઉડી હતી અને વહેલી પરોઢે ભાટનભોઈ પાસે સાબરમતી નદીમાં દરોડા પાડીને બિનઅધિકૃત રીતે રેતી ચોરવા માટે આવેલા સાત ટ્રેકટરો ઝડપી લીધા હતા. રેતી ચોરવા આવેલા માફીયાઓ ભાગી જવામાં સફળ રહયા હતા. ભુસ્તર તંત્ર દ્વારા ૩૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોંધવું રહેશે કે રાત્રીના સમયે જ રેતી માફીયાઓ નદીઓમાં ગેરકાયદેસર ખનન કરતાં હોય છે ત્યારે તંત્ર નદી તરફ જોવાની તસ્દી પણ લેતું નથી.   

સરકાર દ્વારા એકબાજુ કુદરતી સંપતિને બચાવવાની વાતો કરવામાં આવે છે ત્યારે નદીઓમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃતિ સતત વધી રહી છે. ગાંધીનગર જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા ફળવાયેલી લીઝ ઉપરાંત નદીઓમાં ઠેકઠેકાણે ગેરકાયદે રેતી ખનનની પ્રવૃતિ વધી છે. થોડા સમય અગાઉ પેથાપુરના ફતેપુરામાં સાબરમતી નદીમાં રેતી ખનન સંદર્ભે ખાણ ખનીજ કમિશનર સુધી રજુઆત કરવામાં આવી હતી અને રેતી માફીયાઓએ ૪૦ ફુટ સુધી નદીમાં ખાડા પાડી દીધા હોવાનું જણાવ્યું હતું ત્યારે જિલ્લા ભુસ્તર તંત્રની ઉંઘ આખરે ઉડી છે અને સાબરમતી નદીમાં ગેરકાયદે રેતી ખનન અટકાવવા માટે ટીમો દોડાવવામાં આવી રહી છે. બે દિવસ અગાઉ બિનઅધિકૃત રીતે રેતી લઈ જતાં બે ડમ્પર અને ઓવરલોડ ડમ્પર મળી ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારે આજે વહેલી સવારે ભાટ અને નભોઈ પાસે સાબરમતી નદીના પટમાં સાદી રેતીનું ખનન થઈ રહયું હોવાની માહીતીના પગલે જિલ્લા ભુસ્તર કચેરીના રોયલ્ટી ઈન્સ્પેકટર દેવીયાનીબા જાડેજા સહિતની ટીમોએ નદીમાં દરોડા પાડયા હતા. જો કે આ ટીમોને જોઈ રેતી ચોરવા આવેલા તત્ત્વો ટ્રેકટરો મુકીને નાસી છુટયા હતા. તંત્ર દ્વારા અલગ અલગ સાત ટ્રેકટર મળી કુલ ૩૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ટ્રેકટરના નંબરના આધારે તેમના માલિકોની શોધખોળ શરૃ કરવામાં આવી છે. ત્યારે હવે ભુસ્તર તંત્ર દોડતું થતાં રેતી ચોરો પણ ભુગર્ભમાં ઉતરી ગયા છે. અઠવાડીયા બાદ તંત્ર નબળું પડશે અને રેતી ચોરો ફરી મેદાનમાં આવી જશે.

 

(5:01 pm IST)