Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

અમદાવાદમાં ગોલ્‍ડ પોટેશિયમ સાઇનાઇટનો 100 કિલોનો જથ્‍થો ડીઆરઆઇએ જપ્‍ત કર્યા બાદ અમદાવાદ ઇન્‍ટરનેશનલ સ્‍કુલના માલિક ગોશીયા પારેખના ઘર અને આરકોમ ઇન્‍ડિયા લી. કંપનીના અધિકારીઓએ સર્ચ કરીને શંકાસ્‍પદ દસ્‍તાવેજો જપ્‍ત કર્યા

અમદાવાદ: કોઇપણ ધાતુ પર સોનાનો ઢોળ ચઢાવવા માટે ઉપયોગમાં લેવાતા ગોલ પોટેશિયમ સાઈનાઈટનો 100 કિલોનો જથ્થો DRIએ કબજે લીધો છે. આ પ્રકરણમાં અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના માલિક ગોશીયા પારેખના ઘરે અને તેમની આરકોમ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં અધિકારીઓએ સર્ચ કરીને  શંકાસ્પદ દસ્તાવેજો કબજે લઇ બેંગલોર DRIને હસ્તગત કર્યા છે. આ પ્રકરણમાં કુલ ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ગોશીયા પારેખને સમન્સ પાઠવીને નિવેદન માટે બોલાવવામાં આવશે. આ પ્રકરણની તપાસ કરી રહેલા અધિકારીઓ ના મતે હજુ કૌભાંડમાં ઘણા મોટા માથાઓની સંડોવણી સામે આવશે.

મુંબઈના આયાતકારે દુબઈથી એડવાન્સ લાયસન્સ હેઠળ મંગાવેલો ગોલ્ડ પોટેશિયમ સાઈનાઈટનો ૧૦૦ કિલોનો જથ્થો અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના ગોશીયા પારેખની ગાંધીનગર ખાતેની આરકોમ ઇન્ડિયા લિમિટેડ કંપનીને આપ્યો હતો.આ પ્રકરણમાં એડવાન્સ લાયસન્સ હેઠળ દુબઈથી મંગાવવામાં આવેલો ગોલ્ડ પોટેશિયમ સાઈનાઈટનો જથ્થો મુંબઈ એર કાર્ગો પર પહોંચ્યો ત્યારે અધિકારીઓને બાતમી મળી હતી કે એડવાન્સ લાયસન્સ હેઠળ મંગાવવામાં આવતો ગોલ્ડ પોટેશિયમ સાઈનાઈટનો જથ્થો ડ્યૂટી ફ્રી આયાતનો લાભ લઇ આયાતકાર દ્વારા મોટા પ્રમાણમાં ડ્યૂટી ચોરી કરવામાં આવી રહી છે.

જેને પગલે મુંબઇ અને બેંગલોર DRIના અધિકારીઓએ આ પ્રકરણમાં તપાસ શરૂ કરી ૧૦૦ કિલો ગોલ્ડ પોટેશિયમ સાઈનાઈટ નો જથ્થો જપ્ત કરી લીધો છે અને કરોડો રૂપિયાના ડ્યૂટી ચોરી કૌભાંડનો પર્દાફાસ કર્યો છે. આ કૌભાંડનો રેલો અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના ગોશીયા પારેખ સુધી પહોંચ્યો છે. આ પ્રકરણમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હવે ગોશીયા પારેખનું નિવેદન લેવા માટે તેમને સમજ પાઠવવામાં આવશે.

(4:27 pm IST)