Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

હાઇકોર્ટમાં ૧૯મીથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા વકીલોની માંગણીઃ એડવોકેટ એસો.નો ચીફ જસ્ટીસને પત્ર

અમદાવાદ તા. ૧૬: ગુજરાત હાઇકોર્ટમાં ૧૯મી જુલાઇથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા માટે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા ચીફ જસ્ટિસ વિક્રમ નાથને પત્ર લખી માંગણી કરવામાં આવી છે. એસોસિએશનની રજૂઆત છે કે ઓનલાઇન સુનાવણીના કારણે સામાન્ય વકીલો અત્યારે ઘણી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. કોરોનાના કેસો ઘટતા હવે અન્ય સંસ્થાનો પણ ખુલી ગયા છે. તેથી હાઇકોર્ટમાં પણ પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાનો નિર્ણય લેવો જોઇએ.

એસોસિએશન દ્વારા લખવામાં આવેલા પત્રમાં રજુઆત કરવામાં આવી છે કે ૧પમી જુલાઇથી રાજયની શાળા-કોલેજો પણ ખૂલી રહી છે. ગુજરાતમાં કોરોનાના જૂના કેસો રોજ નોંધાઇ રહ્યાં છે અને છેલ્લાં પંદર દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાના ૧૧ થી ૧પ કેસો નોંધાતા રહ્યા છે. અન્ય સંસ્થાનો એસ.ઓ.પી. સાથે ખૂલી ગયા છે. એસોસિએશને અગાઉ ચાર વખત રજૂઆત કરી પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા માંગણી કરી છે. જેથી વર્તમાન પરિસ્થિતિને રાખી હાઇકોર્ટે ૧૯મી જુલાઇથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવી જોઇએ.

(11:00 am IST)