Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કોરોનાની મહામારી વચ્ચે સુરતમાં હાઇફાઇ જુગારધામ પર રેડ: 99 શકુનીઓ ઝડપાયા

આસિફ શેખ ઉર્ફે આસિફ ગાંડા દ્વારા ચલાવાતી જુગારની ક્લબ ઉપર સ્ટેટ મોનેટરિંગ સેલનો દરોડો:ચાર લાખ રોકડા,49 મોબાઈલ,15 બાઈક,સહિતનો મુદામાલ જપ્ત

સુરતમાં પોલીસે એક મોટા જુગારધામ પર રેડ કરી છે. સુરતના બેગમપુરાના તુલસી ફળિયામાં આસિફ શેખ ઉર્ફે આસિફ ગાંડા દ્વારા ચલાવવામાં આવતી જુગારની ક્લબ ઉપર સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. કોરોનાની મહામારી વચ્ચે પણ અહીં જુગાર રમવા એકઠાં થયેલા 99 લોકોને એસએમસીએ પકડી રોકડા ચાર લાખ, 49 મોબાઇલ ફોન, 15 બાઇક મળી દસ લાખ જેટલી કિંમતનો લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્રણ માળના મકાનમાં પોલીસે કરેલી કાર્યવાહીના વાઇરલ થયેલા વીડિયોએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી.

મહિધરપુરાના સિનેમારોડ ઉપર આવેલા તુલસી ફળિયામાં રહેતાં આસિફ શેખનુ નામ દારૂ-જુગારના ગોરખધંધામાં ચર્ચાતુ આવ્યું છે. ઘણાં દરોડોમાં પોલીસની ઝપટે ચઢી ચૂકેલો આસિફ પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી આવ્યો છે. આ આસિફે તુલસી ફળિયામાં આવેલા એક ત્રણ માળના મકાનમાં જુગારની ક્લબ શરૂ કરી હોવાની માહિતી સ્ટેટ મોનેટરિંગ સેલને મળી હતી. એસએમસીના સ્ટાફે બે દિવસ આ વિસ્તારમાં વોચ ગોઠવ્યા બાદ ગુરુવારે બપોરે દરોડો પાડયો હતો.

પાંચ ગાડીઓ, એસપીની ટુકડી સહિત પોલીસ કાફલો તુલસી ફળિયામાં ત્રાટકતાં અહીં નાસભાગ મચી તો સ્થાનિક પોલીસબેડામાં ફફડાટ ફેલાયો હતો. દરોડો પડયો ત્યારથી શરૂ થયેલી ચર્ચા અનુસાર જ અહીં જુગાર રમતા 99 વ્યક્તિઓ ઝડપાઇ ગયા હતાં. જેમની પાસેથી રોકડા ચાર લાખ રૂપિયા મળી આવ્યા હતાં. આ ઉપરાંત 49 મોબાઇલ ફોન, પંદર બાઇક અને જુગાર રમાડવા માટેના સાધનો મળી પોલીસે દસ લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો.

(1:05 am IST)