Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

અમદાવાદમાં પોલીસે માસ્ક વગરના યુવકને રોકવા ફેંકેલી લાકડી નિર્દોષને વાગતાં હોબાળો

લોકોના ટોળાં એકત્ર થતા પોલીસકર્મી જીવ બચાવવા માટે વાનમાં બેસી ગયો

અમદાવાદ: સરદારનગરના કુબેરનગર ખાતે જી વોર્ડ વિસ્તારમાં માસ્ક વગર પસાર થતાં યુવકને રોકવા પોલીસ કોન્સ્ટેબલે ફેંકેલી છૂટી લાકડી નિર્દોષને વાગતા હોબાળો થયો હતો. લોકોના ટોળાં પોલીસ કોન્સ્ટેબલની પાછળ પડતા જવાન જીવ બચાવવવા મોબાઈલ વાનમાં બેસી ગયો હતો.

સરદારનગરના જી વોર્ડ ખાતે આજે બપોરે સ્કુટી ચાલક યુવકે માસ્ક ના પહેર્યું હોવાથી પોલીસે તેણે રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવક ભાગ્યો હતો. જોકે સ્કુટી સ્લીપ ખાઈ જતા યુવક રોડ પર પટકાયો અને દોડ્યો હતો. પોલીસે યુવકનો પીછો કર્યો અને રોકવા લાકડી ફેંકી હતી. લાકડી ત્યાં બેઠેલા નિર્દોષ વ્યક્તિને વાગતાં આંખની આજુબાજુ ગંભીર ઇજા થઇ હતી.

બનાવને પગલે ઉશ્કેરાયેલા સ્થાનિકોએ પોલીસ કોન્સ્ટેબલનો પીછો કર્યો હતો. લોકોના મારથી બચવા પોલીસ કોન્સ્ટેબલ પોલીસ વાનમાં જઈને બેસી ગયો હતો. બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસ અધિકારીઓએ લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.

સરદારનગર પીઆઈ એચ.બી.પટેલે જણાવ્યું હતું કે, પોલીસ જવાને માસ્ક ન પહેરનાર યુવકને રોકવા લાકડી ફેંકી જે ત્યાં બેઠેલા અન્ય વ્યક્તિને વાગી અને સ્થાનિકો ઉશ્કેરાયા હતા. જોકે તેઓ માની જતા મામલો થાળે પડ્યો છે. સ્થાનિકોની દલીલ હતી કે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ પણ નિર્દોષ લોકોને લાકડી વાગે અને ઇજા થાય તે ચલાવી નહીં લેવાય

(11:18 pm IST)