Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

સુરત સ્વૈચ્છીક લોકડાઉનના પંથે : 17થી 23 જુલાઇ ધંધા-રોજગાર બંધ રાખવા મ્યુનિ. કોર્પો.ની અપીલ

હીરા-કાપડ ઉદ્યોગ 19 જુલાઈ સુધી બંધ રખાયા: લોકડાઉનનો સરકારનો ઇન્કાર પણ લોકો સ્વૈચ્છીક બંધ તરફ વળ્યાં

સુરતઃ કોરોનાનાં કેસોમાં ઝડપી વધારો થાય છે  ત્યારે મહાનગરપાલિકા દ્વારા દરરોજ નવા ક્લસ્ટર અને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યાં છે, ત્યારે છેલ્લાં કેટલાંક દિવસથી સુરતમાં પણ સ્વેચ્છાએ લોકડાઉન જાહેર કરવાની અપીલ આખરે આગળ વધી છે. સુરતનાં એ વિસ્તારો કે જ્યાં કેસોમાં વધારો થયો છે તે ઉપરાંતનાં અન્ય વિસ્તારોમાં 17મી જુલાઈથી આગામી એક અઠવાડિયા માટે દુકાનો અને ઓફિસો સહિત ધંધા રોજગાર બંધ રાખવા માટે મહાનગરપાલિકાએ અપીલ કરવામાં આવી છે. જો કે જીવન જરૂરીયાતની દુકાનો અને સંસ્થાઓ આ સમય દરમ્યાન ખુલ્લી રાખવામાં આવશે

કતારગામ, વરાછા, રાંદેર સહિતનાં વિસ્તારોમાં ફરી એક વખત સંક્રમણ વધી રહ્યું છે. દરરોજ કોરોનાનાં નવા સ્પોટ સામે આવી રહ્યાં છે. જેને જોતા ફરી એક વખત લોકડાઉન સુરતમાં મુકવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે સરકારે સ્પષ્ટ શબ્દોમાં લોકડાઉનથી ઇન્કાર કરી દીધો છે, ત્યારે કોરોનાની મહામારીને રોકવા માટે લોકો સ્વેચ્છાએ જ પોતાના ધંધા રોજગાર અને દુકાનો બંધ રાખે તેવી અપીલ સતત કરવામાં આવી રહી છે.

સુરતનાં મુખ્ય બે ઉદ્યોગ હીરા અને કાપડમાં આગામી 19મી જુલાઈ સુધી બંધ રાખવામાં આવ્યાં છે. જો કે જે રીતે સંક્રમણ વધી રહ્યું છે અને સતત કેસોમાં વધારો થઇ રહ્યો છે તેને જોતા અનેક લોકોએ સોશિયલ મીડિયા અને મૌખિક રીતે સુરતમાં સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરવાની માંગણી કરી હતી. જેને પગલે હવે એ દિશામાં આગામી 17મી જુલાઈથી એક અઠવાડિયા સુધી સુરતમાં લોકોને સ્વૈચ્છિકતાથી દુકાનો, ધંધા, રોજગાર બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. આ માટે સુરત મહાનગરપાલિકાએ માઈક દ્વારા એનાઉન્સમેન્ટ કર્યું છે જેમાં આગામી 23 તારીખ સુધી લોકો કોરોનાનાં વધી રહેલા સંક્રમણથી બચે તે માટે અપીલ કરાઈ રહી છે.

(11:12 pm IST)