Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

GPCBના ક્લાસ-1 અધિકારી સુત્રેજાના બેંક લોકરોમાંથી 1.28 કરોડના દાગીના-રોકડ મળ્યા; મિલકતો અંગે તપાસ

એ.સી.બી.એ બાતમીના આધારે સુત્રેજા પાસેથી બેગમાં મુકેલી 4,91,813 રૂપિયાની ચલણી નોટો પકડી હતી

અમદાવાદ: GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના કલાસ- 1ના પ્રાદેશિક અધિકારી ભાયાભાઈ ગીગાભાઈ સુત્રેજાના ગાંધીનગર ખાતેની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આવેલા બે બેંક લોકરોની તપાસમાં એસીબીની ટીમે કરી હતી. જેમાંથી 1.28 કરોડની મતાના સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી આવ્યા છે. એસીબીએ સુત્રેજા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો છે.

એસીબીએ સુત્રેજાના બેંક ઓફ ઈન્ડિયા ખાતેના બે લોકરની તપાસ કરતા એકમાંથી 48,76,596 રૂપિયાના સોનાના દાગીના તથા 69,500 રોકડ રકમ મળી આવેલ છે. જ્યારે બીજા લોકરમાંથી 23,49,778 રૂપિયાના સોના ચાંદીના દાગીના અને 55 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આમ બંને લોકરમાં થઈ કુલ 1,27,95,874 રૂપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. એસીબીની ટીમે આ સિવાય સૂત્રેજાની અન્ય ગેરકાયદે મિલકતો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગત તા.10મી જુલાઈના રોજ એ.સી.બી.એ બાતમીના આધારે સુત્રેજા પાસેથી બેગમાં મુકેલી 4,91,813 રૂપિયાની ચલણી નોટો પકડી હતી. તેમજ તેમની તપાસ કરાતા 17,800ની રકમ મળી કુલ 5,09,613 રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. જ્યારે તેમના રહેણાંક મકાન ગાંધીનગર ઘરની તપાસ કરવામાં આવી તો ત્યાંથી 5 લાખ રૂપિયા રોકડા તથા 20 ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા હતા. જોકે આ રકમ અંગે આરોપી યોગ્ય જવાબ ના આપી શકતા તેઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

(9:06 pm IST)