Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

આણંદમાં રખડતા પશુઓનો બેફામ ત્રાસ:ઢોર પકડો અભિયાન અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પ્રથમદિવસે 10 પશુઓને પાંજરે પૂરવામાં આવ્યા

આણંદ: શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ બેફામ બનતા શહેરના એક જાગૃત નાગરિક દ્વારા જાહેર હીતની અરજી કરાઈ હતી. જે મામલે હાઈકોર્ટની ટકોર બાદ જિલ્લા કલેક્ટરના આદેશથી પાલિકા તંત્ર દ્વારા શહેરમાં રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ શહેરમાં રખડતા પશુઓને પાંજરે પુરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત મંગળવારના રોજથી શહેરમાં ઢોર પકડો અભિયાન શરૃ કરાતા પ્રથમ દિવસે જ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ૧૦ જેટલા રખડતા પશુઓને પાંજરે પુરી આણંદ નગરપાલિકા ખાતે લાવવામાં આવ્યા હતા. જો કે રખડતા પશુઓને પાંજરે પૂર્યા બાદ જે-તે પશુઓના માલિકો નગરપાલિકા ખાતે પહોંચી ગયા હતા. દરમ્યાન કેટલાક પશુપાલકોએ પોતાના પશુઓને છોડાવવા માટે રાજકીય દબાણ પણ કર્યું હોવાના અહેવાલ સાંપડયા છે.  બીજી તરફ પકડાયેલ પશુઓના માલિકો પાસેથી દંડ પેટે રૃા.૫૦૦ વસુલી પશુઓને છોડવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જો કે ટેન્ડરીંગ મુજબ દંડનો ભાવ રૃા.૨૧૦૦ નક્કી કરવામાં આવ્યો હતો ત્યારે હવે આ તફાવતની રકમ નગરપાલિકાને ભોગવવાનો વારો આવતા જાગૃતોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે. જનતા પાસેથી ટેક્ષ પેટે નાણાં ઉઘરાવી આવા કામકાજ અર્થે વાપરવામાં આવતા કોના ઈશારે દંડની રકમ ઘટાડવામાં આવી તે પ્રશ્ન જાગૃતોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

(6:27 pm IST)